ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 5 ઑગસ્ટ, 2021
ગુરુવાર
કોરોના મહામારીને પગલે મુંબઈ મહાનગરપાલિકા પહેલાંથી આર્થિક તકલીફનો સામનો કરી રહી છે. કરવધારાના પ્રસ્તાવો મંજૂરી વગર અટવાઈ પડ્યા છે તેમ જ લાંબા સમયથી 20,000 કરોડ રૂપિયાનો એરિયર્સ ટૅક્સ પણ વસૂલ થઈ શક્યો નથી. આવી કટોકટી વચ્ચે પણ મુંબઈ મનપા એપ્રિલથી જુલાઈ 2021 સુધીના માત્ર ચાર મહિનામાં 405 કરોડ રૂપિયાનો પ્રૉપર્ટી ટૅક્સ વસૂલ કરવામાં સફળ રહી છે. ગયા વર્ષની સરખામણીમાં આ રકમ અઢીસો કરોડ વધુ છે.
સારા સમાચાર! મુંબઈમાં ફક્ત આટલા લોકો જ હોમ ક્વૉર્ન્ટાઇન; જાણો વિગત
કોરોનાને પગલે પાલિકા લોકો પાસેથી મોટા પ્રમાણમાં કરવેરો વસૂલી શકી નથી. દર પાંચ વર્ષે મુંબઈમાં પ્રૉપર્ટી ટૅક્સમાં વધારો કરવામાં આવે છે. 2015 બાદ 2020માં વધારો કરવાનો હતો, પરંતુ કોરોનાને પગલે ટૅક્સમાં વધારો આગળ ધકેલવામાં આવ્યો હતો. એથી ડિસેમ્બર સુધી પાલિકા માત્ર એક હજાર કરોડ રૂપિયા વસૂલ કરી શકી હતી. 2020-21ના આર્થિક વર્ષમાં પાલિકાનો લક્ષ્યાંક 5,200 કરોડ રૂપિયાનો હતો. જોકે કોરોનાને પગલે આ લક્ષ્યાંક પૂરો કરવો મુશ્કેલ જણાતો હતો. જોકે પાલિકાએ ડિફોલ્ટરો પાસેથી ટૅક્સની બાકી રહેલી રકમ વસૂલવા માટે જોરદાર ઝુંબેશ ચાલુ કરી દીધી હતી. પ્રૉપર્ટી સીલ કરવાથી લઈને જપ્તીની કાર્યવાહીને કારણે માર્ચ સુધીમાં પાલિકા પોતાનો લક્ષ્યાંક પૂરી કરી શકી હતી. પાલિકાએ એપ્રિલથી જુલાઈ 2020માં 155 કરોડ રૂપિયા વસૂલ્યા હતા. એની સામે એપ્રિલથી જુલાઈ 2021માં 405 કરોડ રૂપિયા વસૂલી નાખ્યા છે.