ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 જુલાઈ 2021
શુક્રવાર
બોગસ વેક્સિનેશન પ્રકરણમાં મુંબઈમાં MIDC પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધવામાં આવી છે. મુંબઈની સાથે જ થાણેમાં એક, એમ કુલ 11 ગુના અત્યાર સુધી દાખલ કરવામાં આવ્યા છે. આ પ્રકરણમાં સ્પેશિયલ ટીમે મુંબઈની એક મોટી હૉસ્પિટલના કર્મચારી સહિત ચારકોપની શિવમ્ હૉસ્પિટલના એક કર્મચારીની ધરપકડ કરી છે. એથી કુલ આરોપીની સંખ્યા 13 થઈ ગઈ છે.
કાંદિવલીની હીરાનંદાના હેરિટેજ બિલ્ડિંગમાં થયેલા બોગસ વેક્સિનેશન પ્રકરણમાં કાંદિવલી પોલીસ સ્ટેશનમાં પહેલો ગુનો દાખલ થયો હતો. આ પ્રકરણમાં મહેન્દ્ર સિંહ સાથે તેના પાંચ માણસોની ધરપકડ કરવામાં આવી છે. મહેન્દ્ર મુખ્ય સૂત્રધારમાંનો એક છે. તેણે મુંબઈ સહિત થાણેમાં બોગસ વેક્સિનેશન કૅમ્પ યોજીને તગડી રકમ વસૂલી હોવાની કબૂલતા કરી છે.
બોગસ વેક્સિનેશન પ્રકરણમાં એક-એક કરીને અત્યાર સુધી મુંબઈમાં ભોઇવાડા, બોરિવલી, આંબોલી, કાંદિવલી, સમતાનગર, અંધેરી MIDC અને થાણેના નૌપાડા પોલીસમાં 11 ગુના દાખલ થયા છે.
ગુરુવારે મુખ્ય સૂત્રધારોમાંના એક રાજેશ પાંડેની પોલીસે બારામતીથી ધરપકડ કરી હતી, તો ચારકોપની શિવમ્ હૉસ્પિટલના વધુ એક કર્મચારીની પણ ધરપકડ કરી હતી. અત્યાર સુધી આ કેસમાં કુલ 13ની ધરપકડ થઈ છે.