ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 ઑક્ટોબર, 2021
મંગળવાર
ભારોભાર ભ્રષ્ટાચારથી ખદબદતી મુંબઈ મહાનગરપાલિકાનું તંત્ર અત્યંત રેઢિયાળ છે. મલાડ (વેસ્ટ)માં મહિના પહેલાં રસ્તાને પહોળો કરવા દુકાનો તોડવામાં આવી હતી, એનો કાટમાળ હજી રસ્તા પર જેમનો તેમ પડી રહ્યો છે.
મલાડ (વેસ્ટ)માં રસ્તાને પહોળો કરવા માટે અનેક દુકાનો આડે આવી રહી હતી. ખાસ કરીને એસ. વી. રોડ પર નટરાજ માર્કેટ સામે લાંબા સમયથી રસ્તાને પહોળો કરવાના કામમાં વિલંબ થઈ રહ્યો છે.
ગયા મહિનામાં પાલિકા દ્વારા નટરાજ માર્કેટની આજુબાજુના વિસ્તારમાં રસ્તાને અડચણરૂપ રહેલી દુકાનો તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અઠવાડિયાની કામગીરીમાં અડચણરૂપ રહેલી દુકાનો તો તોડી પાડી, પણ કાટમાળ હજી રસ્તા પર ત્યાંનો ત્યાં પડી રહ્યો છે. સ્થાનિક દુકાનદારો અને સ્થાનિક રહેવાસીઓએ અનેક વખત પાલિકા પ્રશાસનને આ બાબતે ફરિયાદ કરી છે. છતાં હજી સુધી રસ્તા પરનો કાટમાળ દૂર કરી શકાયો નથી, એથી લોકોને અહીં ચાલવામાં ભારે તકલીફ થઈ રહી છે. એમાં પણ રાતના સમયે અહીંથી પસાર થનારાને ખાસ સંભાળવું પડે છે. સ્થાનિક જાગ્રત નાગરિકોએ આ બાબતે સ્થાનિક વિધાનસભ્ય અસલ્મ શેખને પણ આ બાબતે ફરિયાદ કરી હતી. જોકે પાલિકાના બહેરા કાને વાત પહોંચી રહી નથી, એથી સ્થાનિક નાગરિકો ભારે નારાજ છે.