ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 જૂન 2021
મંગળવાર
મુંબઈમાં કોરોનાની બીજી લહેર નિયંત્રણમાં આવી રહી છે. કોરોના પૉઝિટિવિટી રેટ પણ ઘટીને 2.2ની આસપાસ આવી ગયો છે. એ સાથે જ મુંબઈ કન્ટેઇન્ટમેન્ટ ઝોનમાંથી પણ મુક્ત થઈ રહ્યું છે. ખાસ કરીને મુંબઈના 24 વૉર્ડમાંથી 18 વૉર્ડમાં આવેલી ઝૂંપડપટ્ટી કોરોનામુક્ત થઈ ગઈ હોવાનું પાલિકાના આરોગ્ય ખાતાના આંકડા પરથી જણાઈ આવ્યું છે. આ 18 વૉર્ડમાં આવેલા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં એક પણ કન્ટેઇન્મેન્ટ ઝોન રહ્યા નથી.
કોરોનાની પહેલી લહેરમાં સૌથી વધુ કેસ ઝૂંપડપટ્ટીમાં નોંધાયા હતા. જોકે બીજી લહેરમાં ઝૂંપડપટ્ટી પરનું સંકંટ ઘટી ગયેલું જણાયું હતું. મુંબઈમાં પાલિકાના 24 વૉર્ડમાંથી 18 વૉર્ડમાં આવેલી ઝૂંપડપટ્ટી પરિસરમાં હવે એક પણ પ્રતિબંધક વિસ્તાર રહ્યો નથી. બાકીના છ વૉર્ડમાં હાલ 22 કન્ટેઇન્ટમેન્ટ ઝોન છે. કોરોનાની બીજી લહેરની અસર ઝૂંપડપટ્ટી કરતાં ઉચ્ચ વર્ગમાં તેમ જ ઊંચી ઇમારતમાં વધુ જણાઈ હતી.
આ દરમિયાન અંધેરી(પશ્ચિમ), ગોરેગામ, મલાડ, બોરિવલી, દહિસર વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં કોરોનાનો ચેપ વધુ રહ્યો હતો. જોકે હાલ અહીં એક પણ પ્રતિબંધક વિસ્તાર રહ્યો નથી. એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ગણાતા ધારાવીમાં પણ મોટા પ્રમાણમાં કોરોના નિયંત્રણમાં આવી ગયો છે. સોમવારે ધારાવીમાં એક પણ નવો કેસ નોંધાયો નહોતો. ઘાટકોપર, બાંદરા, પરેલ તથા અંધેરી (પૂર્વ)માં પણ પરિસ્થિતિ નિયંત્રણમાં આવી છે. હાલ અંધેરી(પૂર્વ)માં 8, કાંદિવલીમાં 6, ભાંડુપમાં 3, મુલુંડમાં 2, ચેંબુરમાં 2 અને ભાયખલામાં 1 કન્ટેઇન્મેન્ટ ઝોન છે.