ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 જૂન 2021
શુક્રવાર
મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ મહાનગરપાલિકાના વેક્સિનેશન સેન્ટરમાં વેક્સિન ઉપલબ્ધ નથી. એથી મોટા ભાગના વેક્સિનેશન સેન્ટર બંધ હાલતમાં છે. જોકે મુંબઈના પરેલ વિસ્તારમાં ખાનગી હૉસ્પિટલ દ્વારા ઘરે-ઘરે જઈને 2,500 રૂપિયામાં વેક્સિન આપવામાં આવી રહી હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે.
કેન્દ્ર સરકારે હાલમાં જ તમામ વેક્સિનના દર જાહેર કર્યા છે. એથી તમામ ખાનગી હૉસ્પિટલોએ એ દરમાં જ લોકોને વેક્સિન આપવાની છે. છતાં ખાનગી હૉસ્પિટલો દ્વારા મનફાવે એવા ભાવ વસૂલ કરવામાં આવી રહ્યા હોવાની હજી પણ ફરિયાદ આવી રહી છે. એટલું જ નહીં, પણ મુંબઈ મહાનગરપાલિકાએ લોકોને ફરિયાદ કરવાની પણ અપીલ કરી છે. છતાં કોઈના ડર વગર મુંબઈની અનેક હૉસ્પિટલો બિનધાસ્ત 2,500 રૂપિયામાં વેક્સિન આપતી થઈ ગઈ છે.
મુંબઈના પરેલ વિસ્તારમાં એક જાણીતી ખાનગી હૉસ્પિટલ દ્વારા લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. તેઓ 2,500 રૂપિયામાં વેક્સિન રીતસરની વેચી રહી છે એવું દબાયેલા અવાજમાં બોલાઈ રહ્યું છે. એટલું જ નહીં પણ આ વેક્સિન પણ ઘરે જઈને આપવામાં આવી રહી છે.
ખાનગી હૉસ્પિટલો પાસે પૂરતા પ્રમાણમાં વેક્સિનનો સ્ટૉક ઉપલબ્ધ છે. એ પણ મનફાવે એવા ભાવે તેઓ લોકોને આપી રહ્યા છે. એની સામે મુંબઈ મહાનગરપાલિકા પાસે વેક્સિનની કેમ અછત છે. તેમને વેક્સિન કેમ નથી મળતી? તેઓ કેમ લોકોના ઘરે જઈને વેક્સિન આપતા નથી એવા સવાલ લોકોને થઈ રહ્યા છે. વેક્સિનેશનમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાની ચર્ચા થઈ રહી છે, ત્યારે પરેલની આ ખાનગી હૉસ્પિટલ લોકોને લૂંટી રહી છે, તેની સામે પાલિકા પ્રશાસન કેમ આંખ બંધ કરીને બેઠી છે એવા સવાલ પણ ઊઠી રહ્યા છે.
જોકે પાલિકાના આરોગ્ય ખાતાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા પ્રમાણે પાલિકાએ સરકારે નક્કી કરેલા ભાવથી વધારે ભાવ લેનારી હોસ્પિટલો સામે લોકોને ફરિયાદ કરવાની અપીલ કરવા કહ્યું છે. લોકો ફરિયાદ કરશે તો પગલાં લઈશું કહીને તેમણે હાથ ઉપર કરી દીધા હતા.
અહીં ઉલ્લેખનીય છે કે એક તરફ જયારે બોમ્બે હાઈ કોર્ટ ઘરે ધરે જઈને વેક્સિન આપવાનો આદેશ આપ્યો છે. ત્યારે મુંબઈ મહાનગરપાલિકા કેન્દ્ર સરકાર મંજૂરી નથી આપતી કહીને હાથ ઉપર કરી રહી છે. તો કેન્દ્ર સરકારે અમે તો ના પાડી જ નથી કહીને પોતાના હાથ ઉપર કરી દીધા છે. આ રીતે બંને જણ એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા છે. તેમાં જોકે નુકસાન સામાન્ય નાગરિકોને જ થઈ રહ્યું છે.