ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 સપ્ટેમ્બર, 2021
બુધવાર
મુંબઈ શહેરમાં ક્લીન-અપ માર્શલોની દાદાગીરી હવે હદપાર થઈ રહી છે. માર્શલની લુખ્ખાગીરીનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. મંગળવારે પશ્ચિમ રેલવેના માટુંગા સ્ટેશન પાસે કલીન-અપ માર્શલ અને લોકો વચ્ચે વાદવિવાદ થયો હતો. ટ્રાફિક પોલીસની ઉપસ્થિતિમાં આ ઘટના ઘટી હોવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી.
માટુંગા સ્ટેશન નજીક કલીન-અપ માર્શલે એક વ્યક્તિ પાસેથી 200 રૂપિયા દંડને બદલે વધારે રકમ માગી હતી. એથી આસપાસના લોકો રોષે ભરાયા અને તેમની વચ્ચે વાદવિવાદ થઈ ગયો. લોકોએ તેને માર્યો એટલે માર્શલે ઉશ્કેરાઈને હાથમાં પથ્થર ઉપાડીને ઘા કર્યો, એટલું જ નહીં ટ્રાફિક પોલીસની ઉપસ્થિતિમાં એક વ્યક્તિના પેટ પર લાત મારી હતી. લોકો વધુ ગુસ્સે ભરાયા એથી માર્શલે ત્યાંથી નાસી જવાનો પણ પ્રયત્ન કર્યો.
જોકે વીડિયો ખૂબ વાયરલ થયો હોવા છતાં આ ઘટના વિશે પોલીસને જાણ ન હતી. ત્યાર બાદ વીડિયો જોઈને શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરે કહ્યું હતું કે BMC દ્વારા જેમને કૉન્ટ્રૅક્ટ આપવામાં આવ્યો છે એ કૉન્ટ્રૅક્ટરો ઓછું ભણેલા યુવાનોને આ કામ માટે રાખે છે. આ માર્શલોને લોકો સાથે યોગ્ય વર્તન કરતા આવડતું નથી, એથી આ સમસ્યા સર્જાય છે.