ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 ઑક્ટોબર, 2021
ગુરુવાર
મુંબઈમાં હાલમાં કોરોનાની ત્રીજી લહેરનું સંકટ ટળી ગયું છે. બીજી બાજુ તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે. દિવાળી, ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી, મિત્રો અને સગાં-સંબંધીઓને મળવા માટે નીકળનારા તથા બજારમાં ખરીદી માટે ભીડ કરનારા લોકોની સંખ્યા વધી ગઈ છે. એથી કોરોનાના દરદીઓ વધવાની શક્યતા પણ વધી ગઈ છે. પાલિકાએ નાગરિકોને સાવચેતી રાખવાની અપીલ કરી છે અને કહ્યું કે આગામી બે મહિના કાળજી લેશો તો 60 દિવસ બાદ મુંબઈ એકદમ પૂર્વવત્ થઈ જશે, તમામ છૂટ મળી જશે.
ફેબ્રુઆરી 2021 મુંબઈમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ હતી અને દૈનિક 3 હજારથી 4 હજાર દર્દીઓની સંખ્યા નોંધાતી હતી. જોકે સ્વાસ્થ્ય વિભાગ દ્વારા લેવાયેલા યોગ્ય ઉપાયો અને મુંબઈવાસીઓના સહકારથી પાલિકા સફળ રહી હતી. સપ્ટેમ્બર બાદ ત્રીજી લહેરની ચેતવણી અપાઈ ગઈ હતી. કોરોનાની પહેલી અને બીજી લહેરમાંથી મળેલા અનુભવના આધારે ત્રીજી લહેરને ટાળવામાં આવી છે. એથી ગણેશોત્સવ બાદ લૉકડાઉન શિથિલ થઈ ગયું છે અને હવે મુંબઈ પહેલાં જેવી થઈ રહી છે, પરંતુ આવનારા તહેવારોમાં કોરોના દર્દીઓની સંખ્યા વધવાનો ખતરો છે.
દહિસરની આ યુવતીએ રાજ્યસ્તરે તલવારબાજીમાં બાજી મારી; જાણો તેની સફળતા વિશે
પાલિકાના ઍડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ કહ્યું હતું કે BMC અત્યારે એલર્ટ મોડ પર છે. દિવાળી બાદ દર્દીઓની સંખ્યામાં વધારો થવાની શક્યતા હોવાથી આરોગ્ય વિભાગે બધી તૈયારી કરી લીધી છે. ગોરેગાંવના નેસ્કો જમ્બો કોવિડ સેન્ટર, મુલુંડ, BKC, વરલીનાં સેન્ટર્સને સજ્જ કરાયાં છે.