ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 ઑક્ટોબર, 2021
મંગળવાર
મહાનગરપાલિકાની ચૂંટણીઓને હજી ત્રણથી ચાર મહિનાનો સમય બાકી છે, ત્યારે રાજકીય વાતાવરણ અત્યારથી ગરમ થઈ ગયું છે. મોટા રાજકીય પક્ષો સ્થાનિક પક્ષના નેતાઓને પોતાના પક્ષમાં ખેંચી લાવવાના પ્રયાસમાં લાગી ગયા છે. રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પણ કામે લાગી ગઈ છે. ઉલ્હાસ નગરમાં પણ કૉર્પોરેશનની ચૂંટણી થવાની છે, એ પહેલાં રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અને કૅબિનેટ પ્રધાન જયંત પાટીલ તથા ગૃહનિર્માણ પ્રધાન જિતેન્દ્ર આવ્હાડે ઉલ્હાસનગરના કિંગ કહેવાતા પપ્પુ કાલાણી પરિવારને મળવા પહોંચી ગયા હતા. ત્યાં તેમણે ભૂતપૂર્વ પપ્પુ કાલાણી અને તેના પુત્ર ઓમી કાલાણીની મુલાકાત લીધી હતી.
જાણકારોના કહેવા મુજબ પપ્પુ કલાણી અને તેના પરિવાર સાથે રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના બંને નેતાઓની એટલી લાંબી ચર્ચા ચાલી હતી કે સવારના 4.00 વાગ્યે તેઓ બંને તેના ઘરની બહાર નીકળ્યા હતા. 2017ની સ્થાનિક પાલિકાની ચૂંટણીના થોડા દિવસ પહેલાં જ રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના વિધાનસભ્ય જ્યોતિ પપ્પુ કાલાણી અને તેમના પુત્ર ઓમી કાલાણીએ પક્ષ સાથે છેડો ફાડી નાખ્યો હતો અને પોતાનો નવો પક્ષ સ્થાપ્યો હતો, જેને TOK નામ આપ્યું હતું. બાદમાં જોકે 2019માં કાલાણી પરિવાર ભાજપની નજીક આવી ગયો હતો. ચૂંટણી પણ તેઓએ ભાજપના ચિહ્ન પર જ લડી હતી. દરમિયાન તેમણે ભાજપ પાસેથી ટિકિટ માગી હતી, પરંતુ પાર્ટીએ તેના બદલે બીજાને ટિકિટ આપી હતી. ભાજપથી ટિકિટ નહીં મળતાં ઓમી કાલાણીએ ભાજપ સાથે છેડો ફાડી નાખ્યો હતો . બાદમાં મેયરની ચૂંટણીમાં ભાજપના વ્હીપનું ઉલ્લંધન કરીને TOKના નગરસેવકોએ શિવસેનાને સમર્થન આપ્યું હતું. એને પગલે ભાજપ અને કાલાણી પરિવારના સંબંધમાં ખટરાગ આવી ગયો હતો.
હવે જ્યારે કૉર્પોરેશનની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ ફરી કાલાણી પરિવારની નજીક આવવાનો પ્રયાસ કરી રહી છે. અહીં ઉલ્લેખનીય છે કે હાલ ઉલ્હાસનનગર પાલિકામાં કાલાણીના પક્ષના 20 નગરસેવકો છે.
રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ અને કાલાણી પરિવાર વચ્ચે લાંબી બેઠક થતાં રાજકીય સ્તરે જાતજાતની ચર્ચા થઈ રહી છે ત્યારે TOK પક્ષના પ્રવક્તાએ આ બેઠકને ઔપચારિક બેઠક ગણાવી હતી અને કહ્યું હતું કે ભતૂપૂર્વ વિધાનસભ્ય જ્યોતિ કાલાણીનું એપ્રિલમાં નિધન થઈ ગયું હતું. એથી રાષ્ટ્રવાદીના નેતાઓ ફક્ત સાંત્વન આપવા માટે આવ્યા હતા. એ સિવાય બીજી કોઈ ચર્ચા થઈ નહોતી.