ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 જુલાઈ, 2021
શનિવાર
મુંબઈગરાને શુક્રવારે સવારના પડેલા સાંબેલાધાર વરસાદમાં ફરી એક વખત 26 જુલાઈ, 2005ની અતિવૃષ્ટિ યાદ આવી ગઈ હતી. સવારના 4 વાગ્યાથી 9 વાગ્યા સુધીના માત્ર પાંચ કલાકમાં સાંતાક્રુઝમાં સાડાસાત ઇંચ જેટલો અધધધ વરસાદ પડી ગયો હતો. સવારના તોફાની વરસાદમાં મુંબઈના પૂર્વ અને પશ્ચિમ ઉપનગરના મોટા ભાગના વિસ્તાર પાણીમાં ડૂબી ગયા હતા. એમાં પણ સાંતાક્રુઝ, અંધેરી, બાંદરા અને કુર્લામાં ભારે વરસાદ પડતાં આ વિસ્તારમાં જાણે વાદળ ફાટી ગયું હોય એવો અનુભવ લોકોએ કર્યો હતો. શુક્રવાર સવારના 24 કલાક દરમિયાન 253.0 મિલીમીટર (10 ઇંચ) પડેલા વરસાદે છેલ્લા એક દાયકાના જુલાઈના બીજા નંબરનો સૌથી હાઈએસ્ટ વરસાદ રહ્યો હતો.
સસ્પેન્ડેડ ધારાસભ્ય અતુલ ભાતખલકરને આ કારણથી પોલીસે લીધા અટકાયતમાં; જાણો વિગત
હવામાન ખાતાના અધિકારીના જણાવ્યા મુજબ શુક્રવારે 15 જુલાઈના વરસાદે મુંબઈની 26 જુલાઈ, 2005ની અતિવૃષ્ટિની (24 કલાકમાં 37.76 ઇંચ વરસાદ) યાદ અપાવી હતી. ગુરુવારે મોડી રાત બાદ સાંતાક્રુઝ પર ઝળૂંબી રહેલાં વાદળાં તેમની પૂરી તાકત સાથે ત્રાટક્યાં હતાં. 15 જુલાઈ ગુરુવારની રાતે અરબી સમુદ્રમાં એક પ્રકારની સિસ્ટમ ડેવલપ થઈ હતી. એ સિસ્ટમને કારણે પશ્ચિમ દિશામાંથી મુંબઈ પર આવતા ભેજવાળા પવનો અટકી ગયા હતા. જોકે બાદમાં એ સિસ્ટમ ઓમાન તરફ ફંટાઈ ગઈ હતી. એને કારણે પશ્ચિમી તરફના અટવાઈ ગયેલા પવનો ફરી મુંબઈ તરફ ફૂંકાવા માંડ્યા હતા. મુંબઈના આકાશમાં ભરપૂર માત્રામાં ભેજ ઠલવાયો હતો. એમાંથી વિશાળ તોફાની વાદળાં બન્યાં હતાં અને સાંતાક્રુઝના આકાશમાં એ ઝળૂંબ્યાં હતાં. લોકલ લેવલ પર સર્જાયેલાં પરિબળોનો સાથે મળતાં એ પૂરી તાકત સાથે આખી રાત વરસ્યાં હતાં. સાંતાક્રુઝમાં સવારના 4 વાગ્યાથી 9 વાગ્યા સુધીના પાંચ કલાકમાં 186.9 મિ.મી. એટલે કે સાડાસાત ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.