ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
મહારાષ્ટ્રમાં ગત વર્ષે કડક પ્રતિબંધોને લીધે ગણેશોત્સવ એકદમ સાદગીથી ઊજવાયો હતો. મુંબઈથી લોકો કોંકણ, રત્નાગિરિ, સિંધુદુર્ગ વગેરે ઠેકાણે જઈ શક્યા ન હતા. એની કસર આ વર્ષે લોકોએ પૂરી કરી. મોટી સંખ્યામાં આ ભક્તો ગણેશોત્સવ ઊજવવા પોતાના ગામ ગયા અને પાછા વળ્યા ત્યારે સાથે કોરોના પણ લાવ્યા.
સિંધુદુર્ગ અને રત્નાગિરિ જિલ્લા અધિકારી કાર્યાલયે આપેલી માહિતી મુજબ મુંબઈથી આવેલા ભક્તો પૈકી ૨૭૨ લોકોને કોરોનાનો ચેપ લાગ્યો હતો.
રત્નાગિરિ જિલ્લામાં મુંબઈથી આવેલા ૧ લાખ ૩૦ હજારમાંથી ૨૦ હજાર લોકો ૧૮ વર્ષની નીચેના હતા. તે પૈકી ૧૨૦ લોકોના કોરોના ટેસ્ટ પોઝિટિવ હતા, જ્યારે ૭૨ જણને કોરોના જેવાં લક્ષણો હતાં.
સિંધુદુર્ગમાં આવેલા ૮૭ હજાર ૮૩૭ ભક્તોમાંથી ૮,૧૦૪ લોકો આરટીપીસીઆર રિપૉર્ટ વગર જ આવ્યા હતા, જેમના ટેસ્ટ કર્યા બાદ ૧૫૨ જણ કોરોના સંક્રમિત નીકળ્યા.