ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 જુલાઈ, 2021
શુક્રવાર
મુંબઈને સવારના સમયમાં વરસાદે ધમરોળી નાખ્યું હતું, જેમાં ભારે વરસાદમાં માટુંગા-કિંગ સર્કલમાં પાણી નહીં ભરાવાના મુંબઈ મહાનગરપાલિકાના દાવા પર પાણી ફરી વળ્યું હતું. પાલિકાએ કરોડો રૂપિયાનો ખર્ચ કરીને માટુંગામાં મહાત્મા ગાંધી માર્કેટ બહાર ઊભું કરેલું મિની પમ્પિંગ સ્ટેશન ખરા સમયે એની પરીક્ષામાં ઊણું ઊતર્યું હતું. સવારના મુશળધાર વરસાદમાં માટુંગા-કિંગ સર્કલમાં ઘૂંટણભેર પાણી ભરાયાં હતાં.
પાલિકાએ આપેલા આંકડા મુજબ સવારના ચાર વાગ્યાથી નવ વાગ્યા સુધીના પાંચ કલાકમાં F-નૉર્થ વૉર્ડમાં 116.9 મિલીમીટર એટલે કે સાડાચાર ઇંચ વરસાદ પડી ગયો હતો. ભારે વરસાદને કારણે અહીં ઘૂંટણભેર પાણી ભરાઈ ગયાં હતાં. એથી પમ્પિંગ સ્ટેશન પાછળ ખર્ચેલા પૈસા પાણીમાં ગયા હોવાની નારાજગી સ્થાનિક રહેવાસીઓએ વ્યક્ત કરી હતી.
અહીં ઉલ્લેખનીય છે કે આ નવા મિની પમ્પિંગ સ્ટેશનમાં રહેલા પમ્પિંગ મશીનની વરસાદી પાણી ફેંકવાની ક્ષમતા પ્રતિ મિનિટની 2.33 લાખ લિટરની છે. બાંદરામાં ગયા વર્ષે કલાનગર જંક્શન પાસે મિની પમ્પિંગ સ્ટેશનને કારણે ભારે વરસાદ દરમિયાન પાણી ભરાયાં નહોતાં. અહીં મળેલી સફળતાને પગલે પાલિકાએ માટુંગામાં ગાંધી માર્કેટ પાસે કિંગ સર્કલમાં આવું મિની પમ્પિંગ સ્ટેશન ઊભું કરવાનું કામ યુદ્ધના ધોરણે હાથમાં લીધું હતું. બે તબક્કાના આ કામમાં પહેલા તબક્કામાં અહીં પમ્પ બેસાડવામાં આવ્યા છે. જોકે ખરા સમયે જ પમ્પિંગ સ્ટેશન એની કામગીરીમાં નિષ્ફળ રહ્યું હતું.
મુંબઈમાં ભારે વરસાદને કારણે સબ વે પાણીમાં ગરક થયા. જુઓ વિડિયો…
અહીં ઉલ્લેખનીય છે કે 2005માં મુંબઈમાં અતિવૃષ્ટ થઈ હતી ત્યારે નીમવામાં આવેલી ચિતળે સમિતિએ મુંબઈમાં મોટા પાયા પર પમ્પિંગ સ્ટેશન ઊભા કરવાની ભલામણ કરી હતી. એમાં માટુંગા, દાદર, કિંગ સર્કલ જેવા વિસ્તારમાં પાણી ન ભરાય એ માટે માહુલમાં પમ્પિંગ સ્ટેશન બનાવવા માટે કહ્યું હતું. જોકે માહુલમાં જમીન સંપાદનને કારણે પ્રોજેક્ટ ખોરવાયેલો છે. એથી પાલિકાએ માટુંગા, કિંગ સર્કલ માટે માટુંગામાં ગાંધી માર્કેટ પાસે મિની પમ્પિંગ સ્ટેશન ઊભું કર્યું છે, પરંતુ એ ખરા સમયે નિષ્ફળ ગયું હતું.
બહુ ગાજેલા ગાંધી માર્કેટ વિસ્તારના પંપીંગ સ્ટેશન નું સુરસુરિયું થયું. ફરી એક વાર પાણી ભરાયા. #mumbairain #mumbai #mumbairains #monsoon #mumbaikar #rainydays #mumbailife #mumbaidiaries #rain #mumbaiviews #weather #market #mumbaimarket #gandhimarket #waterflow #traffic #heavyrain pic.twitter.com/fGkIhxe71n
— news continuous (@NewsContinuous) July 16, 2021