ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 3 જૂન 2021
ગુરુવાર
દહિસર ચેકનાકા પરના પ્રવેશદ્વારને તોડવા માટે લાવવામાં આવેલી ક્રેનને પગલે છેલ્લા થોડા દિવસથી બોરીવલી નૅશનલ પાર્કથી ચેકનાકા પહોંચવા માટે સાડાત્રણ કલાકનો સમય લાગી રહ્યો છે. નાગરિકોને થઈ રહેલી આ હાલાકીના વિરોધમાં અને MMRDAના બેજવાબદારીભર્યા જડ વલણના વિરોધમાં દહિસરનાં ધારાસભ્ય મનીષા ચૌધરી ગુરુવારે સવારના દહિસરમાં ભરરસ્તે આંદોલન કરવા બેસી ગયાં હતાં. છેવટે પોલીસ અને MMRDAના આશ્વાસન બાદ તેમણે પોતાનું આંદોલન પાછું ખેંચ્યુ હતું.
ગુરુવારે દહિસર ચેકનાકા પાસે ધારાસભ્ય મનીષા ચૌધરી, નગરસેવક જગદીશ ઓઝા સહિત સ્થાનિક નાગરિકોએ રસ્તા પર બેસીને આંદોલન છેડ્યું હતું. તાનાશાહી નહીં ચલેગીના નારા પણ તેમણે MMRDA વિરુદ્ધ લગાવ્યા હતા. લાંબા સમય સુધી ચાલેલા તેમના આંદોલનને કારણે રસ્તા પર ટ્રાફિકની સમસ્યા વધુ વકરી હતી. છેવટે પોલીસે અને MMRDAના અધિકારીઓને દોડતાં આવવું પડ્યું હતું. ભારે સમજાવટ અને આશ્વાસન બાદ તેઓએ પોતાનું આંદોલન પાછું ખેંચ્યું હતું. તેમના આંદોલાન બાદ તાત્કાલિક ધોરણે રસ્તા પર ઊભી રહેલી ક્રેનને પણ હટાવી દેવામાં આવી હતી.
આંદોલન બાબતે વિધાનસભ્ય મનીષા ચૌધરીએ જણાવ્યું હતું કે ‘’દહિસર-અંધેરી વચ્ચે મેટ્રો લાઇનનું કામ ચાલી રહ્યું છે. મેટ્રો લાઇનના કામમાં દહિસર ચેકનાકા પર રહેલું પ્રવેશદ્વારા અડચણરૂપ બન્યુ છે. એથી MMRDA એને તોડી પાડવાની છે. એ માટે ચાર દિવસથી તેઓએ અહીં મોટી ક્રેન લાવીને રાખી છે. આ ક્રેનને કારણે જોકે હાઈવે પર બે લેન બંધ કરી દેવામાં આવી છે. એથી અહીં થતા ટ્રાફિકની અસર વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેથી લઈને છેક એસ. વી. રોડ, લિંક રોડ સુધી થઈ છે.’’
મનીષા ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે ‘’બે લેન બંધ કરી દેવાથી છેલ્લા ચાર દિવસથી બોરીવલી નૅશનલ પાર્કથી દહિસર ચેકનાકા જવા માટે અધધધ કહેવાય એમ સાડાત્રણ કલાકનો સમય લાગી રહ્યો છે. પહેલાંથી સામાન્ય નાગરિકો માટે લોકલ ટ્રેન બંધ છે. બસમાં લિમિટેડ પ્રવાસની સગવડ છે ત્યારે લોકોને પોતાના ખાનગી વાહનનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. આવા સમયે ટ્રાફિકમાં કલાકો સુધી અટવાઈ જવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે MMRDAના અનેક વખત ફરિયાદ કરી હતી, પણ તેઓ ગણકારતા નહોતા. નાછૂટકે આ આંદોલન કરવું પડ્યું હતું.’’