ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૧ જુલાઈ, ૨૦૨૧
બુધવાર
છેલ્લા ત્રણ દાયકા કરતાં વધુ સમયથી ચોમાસા દરમિયાન દર વર્ષે નિયમિતપણે પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરતા મીરા રોડ સ્થિત એક હાઉસિંગ સોસાયટીએ એક અનોખું પગલું ભર્યું છે. સોસાયટીએ રાજકીય પક્ષોના સભ્યો અને તેમના ઉમેદવારોને કોઈપણ પ્રકારના પ્રચાર માટે તેમના પરિસરમાં પ્રવેશ ન કરવા વિનંતી કરતું એક બૅનર લગાવ્યું છે. રહેવાસીઓ કહે છે કે તેમને હવે નેતાઓની ખાતરીઓ અને વચનો પર વિશ્વાસ રહ્યો નથી.
હવે તેમની આ પહેલ વિવિધ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર ઉગ્ર ચર્ચાનો વિષય બની છે. દર વર્ષે મીરા રોડના ગુજરાતી વસ્તી ધરાવતા શાંતિનગર વિસ્તારમાં ભારે વરસાદને પગલે લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી જાય છે અને માલમતાનું ખૂબ નુકસાન થાય છે. નેતાઓ ડ્રેનેજ સિસ્ટમને દુરસ્ત કરવાના વાયદા તો કરે છે, પરંતુ જમીની સ્તરે કામ થતું નથી.
31 ઑગસ્ટ નજીક આવતાં દેશભરના ઝવેરીઓની ચિંતા વધી ગઈ; જાણો કેમ?
આ મુસીબતથી કંટાળી ગયેલા શાંતિનગર સેક્ટર પાંચના લોકોએ આખરે આ કીમિયો અજમાવ્યો છે. સોસાયટીએ બૅનર મારી એમાં લખ્યું છે કે “તમામ રાજકીય પક્ષો અને તેમના ઉમેદવારોએ અહીં પ્રચાર માટે આવવું નહિ. ઘણાં વર્ષો વીત્યાં છતાં પણ વરસાદનાં પાણી ભરાવાની પરંપરા હજી ચાલુ જ હોવાથી અમને કોઈ પાર્ટી કે ઉમેદવારો પર ભરોસો રહ્યો નથી.”