ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર
મુંબઈનું પ્રસિદ્ધ લાલબાગ ગણેશોત્સવ મંડળ દર વર્ષે કોઈ ને કોઈ ઘટનાને કારણે ચર્ચાથી ઘેરાયેલું રહે છે. હવે આ વખતે મંડળના પદાધિકારી નહીં, પણ પોલીસની ગેરવર્તણૂકને લીધે લાલબાગ ચા રાજાનું મંડળ વગોવાયું છે. હાલમાં સોશ્યલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. એમાં પોલીસ અધિકારીએ મીડિયાકર્મીને ધક્કા મારીને લાલબાગના મંડપમાંથી બહાર કાઢ્યો હતો અને ધમકાવતાં કહ્યું હતું કે અહીંયાં ન્યુઝ કવરેજ કરવાની કોઈ જરૂર નથી. પોલીસની આ દાદાગીરીની વિરોધી પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે આકરી ટીકા કરી છે. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે 'પત્રકારો સાથે આવું વર્તન દુર્ભાગ્યપૂર્ણ છે. આ બાબતે તપાસ થવી જોઈએ અને તત્કાળ કાર્યવાહી થવી જોઈએ.'
ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે સાર્વજનિક ગણેશોત્સવ મનાવવા પર અનેક આકરા પ્રતિબંધો છે અને મુંબઈ શહેરમાં ધારા ૧૪૪ લાગુ થઈ છે. જોકે આ મામલે ભાજપનો સખત વિરોધ છે અને હવે પોલીસ વિભાગે મીડિયાકર્મી સાથે પંગો લીધો છે.