ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 18 ફેબ્રુઆરી 2022,
શુક્રવાર,
કોરોનાની ત્રીજી લહેર દરમિયાન મુંબઈમાં એક જ દિવસમાં 20,000 સુધી કોરોનાના કેસ નોંધાઈ રહ્યા હતા. જોકે કોવિડ પ્રતિબંધાત્મક વૅક્સિનની અસરને કારણે મહિનાની અંદર જ કોરોનાની ત્રીજી લહેર નિયંત્રણમાં લાવવામાં સફળતા મળી હતી. હાલ દૈનિક સ્તરે દર્દી વધવાનો દર 0.03 ટકા થઈ ગયો છે. તો સતત ત્રીજા દિવસે મુંબઈમાં કોરોનાથી એક પણ મોત થયું નહોતું. હાલ મુંબઈમાં ફક્ત 858 દર્દી પણ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મુંબઈના 24 વોર્ડમાંથી 14 વોર્ડમાં ગણ્યાગાંઠયા કોરોનાના દર્દી બચ્યા છે.
કોરોનાની ત્રીજી લહેરમાં કોરોનાના દર્દીની સંખ્યામાં મોટો વધારો થવાની શક્યતા નિષ્ણાતોએ વ્યક્ત કરી હતી. તેથી જંબો કોવિડ સેન્ટરમાં પલંગ વધારવા, ઓક્સિજનના પુરવઠાની ક્ષમતા વધારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન વેક્સિનેશન ઝુંબેશ પણ ઝડપથી અમલમાં મુકવામાં આવી હતી. નવેમ્બર 2021 સુધીમાં 100 ટકા મુંબઈગરાનો વેક્સિનનો પહેલો ડોઝ થઈ લેવાઈ ચૂક્યો હતો. તેથી 21 ડિસેમ્બરથી મુંબઈમાં ત્રીજી લહેર ચાલુ થઈ ગઈ હોવા છતાં 90 ટકા દર્દીમાં કોરોનાના કોઈ પણ લક્ષણો નહોતા. તેથી પાલિકાની હોસ્પિટલ અને જંબો કોવિડ સેન્ટરના 80 ટકા પલંગ ખાલી પડી રહ્યા હતા.
મહિનાની અંદર જ ત્રીજી લહેર નિયંત્રણમાં આવી જતા મુંબઈમાં લાગુ કરેલા તમામ નિયંત્રણો હળવા કરવામાં આવ્યા છે. હોટ સ્પોટ બનેલા અંધેરી, દાદર, માહીમ અને ચેંબુર જેવા વિસ્તારમાં કોરોના સંપૂર્ણપણે નિયંત્રણમાં આવી ગયો છે. લક્ષણો નહીં ધરાવતા અને સૌમ્ય લક્ષણો ધરાવતા દર્દી ચારથી પાંચ દિવસમાં સાજા થઈ જાય છે અને તે પણ હોસ્પિટલમાં નહીં જતા ઘરે જ સારવાર લે છે.
મુંબઈમાં હવે 14 વોર્ડ કોરોનાથી મુક્ત થવાની તૈયારીમાં છે, જેમાં બી વોર્ડ ડોંગરીમાં કોવિડના માત્ર સાત કેસ છે, સી વોર્ડ મરીન લાઈન્સમાં 15, જી-ઉત્તર વોર્ડના ધારાવીમાં 36, આર-ઉત્તરના દહિસરમાં 37, એન વોર્ડ ઘાટકોપરમાં 49, એમ-પૂર્વના દેવનારમાં 55, ઈ વોર્ડ ભાયખલા-નાગપાડામાં 60, એફ-દક્ષિણ વોર્ડના પરેલમાં 61, એચ-પૂર્વના સાંતાક્રુઝ, ખાર, બાંદ્રા(પૂર્વ)માં 64, ટી વોર્ડ મુલુંડના 65, જી-દક્ષિણ વોર્ડના વરલી, પ્રભાદેવી માં 69, આર-સેન્ટ્રલ વોર્ડ બોરીવલીમાં 86 અને આર-દક્ષિણના કાંદિવલીમાં 88 એક્ટિવ દર્દી છે.