ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 3 જૂન 2021
ગુરુવાર
મુંબઈના પ્રથમ નાગરિક કહેવાતાં મેયર કિશોરી પેડણેકરે સોશિયલ મીડિયા ટ્વિટર પર વાંધાજનક ભાષાનો ઉપયોગ કરતાં વિવાદ જાગ્યો છે.
બન્યું એવું કે એક જાગ્રત મુંબઈગરાએ મુંબઈ મહાનગરપાલિકાએ કોવિડ-19ની વેક્સિન માટે બહાર પાડેલા ગ્લોબલ ટેન્ડરનો કૉન્ટ્રૅક્ટર કોને મળ્યો? એવો સવાલ મેયરને ટ્વિટર પર કર્યો હતો. જે મેયરને માફક આવ્યો નહોતો. તેઓ પોતાના પદનું – હોદ્દાનું ભાન ભૂલી ગયાં હતાં. તેમણે તુરંત યુવકને મરાઠીમાં “તારા બાપને” એવી વાંધાજનક ભાષામાં જવાબ આપ્યો હતો.
મેયરના આવા ઉદ્ધતભર્યા જવાબને કારણે ભારે વિવાદ થયો હતો. બાદમાં કંઈ કાચું કપાયું હોવાનું જણાતાં મેયરે તુરંત ટ્વીટ ડિલીટ કરી નાખી હતી. જોકે ત્યાં સુધી બધી જગ્યાએ તેમની આ ટ્વીટ વાયરલ થઈ ગઈ હતી.
મેયરના આ ટ્વીટ બાદ ભાજપે જોકે તુરંત શિવસેનાને સાણસામાં લેવાની તક સાધી લીધી હતી. મુંબઈના પ્રથમ નાગરિકને શું આવી વાંધાજનક ભાષાના ઉપયોગ શોભે છે ? એવો સવાલ ભાજપના નગરસેવક ભાલચંદ્ર શિરસાટે કર્યો હતો.