ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 5 જૂન 2021
શનિવાર
મુંબઈનાં મેયર કિશોરી પેડણેકરે શનિવારે એક પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે “રાજ્ય સરકારનાં ધોરણો અને તાજેતરમાં જારી કરાયેલા આંકડા મુજબ, મુંબઈમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા ૯૫ ટકાએ પહોંચી ગઈ છે, જેથી એ ત્રીજા તબક્કામાં આવે છે.” મુખ્ય પ્રધાન કાર્યાલય અથવા મુખ્ય પ્રધાન પોતે જ અનલૉકની નિયમાવલી ટૂંક સમયમાં જાહેર કરશે.
મુંબઈમાં કોરોના દર્દીઓની સંખ્યા બમણી થવાનો રેટ 515 દિવસ થઈ ગયો છે. એથી, હાલમાં બે સપ્તાહના આંકડાને આધારે મુંબઈનો પૉઝિટિવિટી રેટ પાંચ ટકા સુધીનો છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે મુંબઈ ત્રીજા લેવલ સુધી છે. ભવિષ્યમાં જો મુંબઈ પ્રથમ સપ્તાહમાં ત્રીજા લેવલમાં હોય, તો પણ પૉઝિટિવિટી રેટ પ્રમાણે એ બીજા લેવલમાં હશે, તો એ મુજબ નિયમો લાગુ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારનાં ધારાધોરણ મુજબ સાંજે મુંબઈ માટે એક પરિપત્ર બહાર પાડવામાં આવશે, ત્યારે માયાનગરી મુંબઈમાં અનલૉકનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે, એમ મેયર કિશોરી પેડણેકરે વધુમાં ઉમેર્યું હતું.