ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 3 ફેબ્રુઆરી 2022
ગુરુવાર
આર્થિક રાજધાની મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસથી નવા કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ઘટી રહી છે અને ગત બે દિવસમાં દર્દીઓની સંખ્યા એક હજારની નીચે પહોંચી ગઈ છે, પરંતુ આજે ફરી એકવાર દર્દીઓની સંખ્યા એક હજાર સુધી પહોંચી ગઈ છે.
મુંબઈ મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ, મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,128 નવા કેસ આવ્યા તેમજ 10 દર્દીઓના મોત નીપજ્યા છે. મુંબઈમાં નવા કેસ સામે આવ્યા પછી સંક્રમણના કેસ વધીને 1,048,521 થઈ ગયા છે. કોરોનાથી મૃત્યુઆંક વધીને 16,640 થઈ ગયો છે. આ દરમિયાન 1,838 દર્દીઓએ કોરોનાને માત આપી છે. આ સાથે કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા પણ હવે 10,20,926 પર પહોંચી ગઈ છે. તેથી, હાલમાં મુંબઈનો રિકવરી રેટ 97 ટકા છે.
શહેરમાં 4 બિલ્ડીંગને સીલ કરાઈ છે. ત્યાં પાંચ અને પાંચ કરતાં વધુ કોરોનાના દર્દી છે. હાલ શહેરમાં કોરોનાના 8,158 સક્રિય કેસ છે. તેમ જ નવા મળી આવેલા 1,838 દર્દીઓમાંથી માત્ર 108 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા છે અને 37 હજાર 185 બેડમાંથી માત્ર 1,953 બેડ જ ઉપયોગમાં છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોમાં કોરોના ના નવા કેસની સંખ્યામાં તીવ્ર ઘટાડો જોવા મળતા રાજ્ય સરકારે રાજ્ય સહિત મુંબઈના નિયંત્રણો હળવા કરવાનો નિર્ણય લીધો હતો. તે મુજબ 1 ફેબ્રુઆરીથી મુંબઈમાં નાઈટ કર્ફ્યુ હટાવી લેવામાં આવ્યો છે. તેમ જ મુંબઈમાં બીચ, ગાર્ડન અને પાર્ક ખોલવામાં આવશે. આ ઉપરાંત 50 ટકા ક્ષમતા સાથે સ્વિમિંગ પૂલ, વોટર પાર્ક, થીમ પાર્ક શરૂ કરવામાં આવશે.