ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર
મુંબઈમાં આજે વહેલી સવારે એક મોટી દુર્ઘટના ઘટી છે અને બાંદ્રા-કુર્લા કૉમ્પ્લેક્સ વિસ્તારમાં એક નિર્માણાધીન ફ્લાયઓવરનો હિસ્સો ધરાશાયી થઈ ગયો. આ દુર્ઘટનામાં 13 લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે. જેમને સાંતાક્રુઝની વીએન દેસાઈ હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જોકે સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ અને કોઈ વ્યક્તિ ગુમ નથી થઈ.
પ્રાપ્ત જાણકારી મુજબ અકસ્માત આજે (શુક્રવારે) વહેલી સવારે 4:30 વાગ્યાની આસપાસ થયો હતો અને મુંબઈના પૉશ વિસ્તારમાં બાંદ્રા-કુર્લા કૉમ્પ્લેક્સ પાસે એક બાંધકામ હેઠળના પુલનો ભાગ તૂટી પડ્યો હતો. અકસ્માતના સમાચાર મળતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. કેટલાક લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે, તેમને બહાર કાઢવા માટે બચાવ કામગીરી ચાલુ છે.