ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 ડિસેમ્બર 2021
સોમવાર.
મુંબઈમાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રવિવારે ૯૨૨ કોરોનાના નવા કેસ અને ઓમાઈક્રોનના ૨૭ નવા કેસ નોંધાયા હતા. તેથી મુંબઈ મહાનગરપાલિકા પ્રશાસને આગામી ૧૫થી દિવસ મુંબઈ માટે જોખમી હોવાની ચેતવણી આપી છે. રાજયના ચીફ સેક્રટરીએ પણ સમગ્ર મહારાષ્ટ્ર માટે આગામી દિવસોમાં જોખમી હોવાનું તાજેતરમાં જ કહ્યું હતું.
મુંબઈમાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આગામી દિવસોમાં આ કેસ હજી ઉપર જશે એવો ભય પાલિકાને છે. મુંબઈમાં 14 ડિસેમ્બર ના 225, 15 ડિસેમ્બર ના 238, 16 ડિસેમ્બર ના 279, 17 ડિસેમ્બર ના 295, 18 ડિસેમ્બર ના 283, 19 ડિસેમ્બર ના 336, 20 ડિસેમ્બર ના 204, 21 ડિસેમ્બર ના 327, 22 ડિસેમ્બર ના 490, 23 ડિસેમ્બર ના 602, 24 ડિસેમ્બર ના 683, 25 ડિસેમ્બરના 757 અને 26 ડિસેમ્બરના 922 કોરોના નવા કેસ નોંધાયા છે. છેલ્લા દસ દિવસમાં લગભગ કેસ બમણા થઈ ગયા છે. ઓમીક્રોનના કેસ પણ સતત વધી રહ્યા છે.
કોરોના કેસમા અચાનક થઈ રહેલા વધારા બાબતે પાલિકાના એડિશનલ કમિશનર સુરેશ કાકાણીના કહેવા મુજબ ક્રિસમિસ અને નવા વર્ષની ઉજવણી પર પ્રતિબંધ છે. છતાં લોકો મોટા પ્રમાણમાં તેના સેલિબ્રેશન કરી રહ્યા છે. લગ્નની મોસમ હોઈ મેરેજ ફંકશનમાં મોટા પ્રમાણમાં લોકો ભેગા થઈ રહ્યા છે. તેમ જ ડિસેમ્બરમાં વિદેશથી ભારતમાં આવનારા લોકોનું પ્રમાણ પણ વધારે હોય છે. તેથી જાન્યુઆરીના પહેલા 15 દિવસ કેસમાં વધારો થવાનો અમારો અંદાજો છે. આગામી ૧૫ દિવસ મુંબઈ માટે જોખમી રહેશે. તેથી લોકોએ બહુ સંભાળવાનું રહેશે. માસ્ક પહેરવાનું તથા સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન કરવાનું રહેશે.
અહીં ઉલ્લેખનીય છે મહારાષ્ટ્રમાં પણ ઓમીક્રોનના અને કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે રાજ્યના ચીફ સેક્રેટરી દેબાશીષ ચક્રવતીએ શનિવારે જ કહ્યું હતું કે રાજ્ય માટે આગામી બે અઠવાડિયાનો સમય બહુ જોખમી રહેશે. કોરોના મહામારી ફરી ફાટી ન નીકળે તેનું ધ્યાન રાખવાનું છે. રાજયનું આરોગ્ય ખાતું તેના પર નજર રાખીને બેઠું છે.