ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 ફેબ્રુઆરી 2022
શુક્રવાર.
મુંબઈમાં ડિસેમ્બર 2021માં ચાલુ થયેલી કોરોનાની ત્રીજી લહેર નિયંત્રણમાં આવી ગઈ છે. માત્ર મહિનાની અંદર ત્રીજી લહેરને નિયંત્રણમાં લાવવામાં પાલિકાને સફળતા મળી છે. તેથી છેલ્લા થોડા દિવસથી મુંબઈની ઝુંપડપટ્ટીમાં એક પણ કન્ટેઈન્મેન્ટ ઝોન નથી. હવે મુંબઈની સીલ ઈમારતની સંખ્યા પણ શૂન્ય પર આવી ગઈ છે. તેથી મુંબઈની ઝૂંપડપટ્ટી બાદ હવે ઈમારતો પણ કોરોના કન્ટેઈન્મેન્ટ મુક્ત બની ગઈ છે.
મુંબઈમાં માર્ચ 2020માં કોરોનાનો પહેલો દર્દી નોંધાયો હતો. ત્યારથી અત્યાર સુધી કોરોનાની ત્રણ લહેર આવી ગઈ છે. કોરોનાની પહેલી બે લહેરને નિયંત્રણમાં લાવવામાં ખાસ્સો સમય ગયો હતો. જોકે ત્રીજી લહેર માત્ર એક મહિનામાં નિયંત્રણમાં આવી ગઈ છે.
21 ડિસેમ્બર 2021થી ચાલુ થયેલી ત્રીજી લહેર દરમિયાન છથી આઠ જાન્યુઆરી દરમિયાન પ્રતિદિન 20,000ની આસપાસ કોરોનાના કેસ નોંધાઈ રહ્યા હતા, તેને કારણે મુંબઈમાં સીલ ઈમારત અને ઝૂંપડપટ્ટીની સંખ્યા વધી ગઈ હતી. ત્યારબાદ જોકે દર્દીની સંખ્યામાં ઘટાડો થવાનું ચાલુ થયું હતું, જે હવે પ્રતિદિન 300થી 500ની અંદર આવી ગયો છે.
વીકએન્ડમાં દક્ષિણ મુંબઈ જવાનો છો? તો આ કારણથી ટ્રાફિકમાં ફસાઈ શકો છો. જાણો કેમ?
મુંબઈમાં બિલ્ડિંગ અને ઝૂંપડામાં કોરોનાના કેસ નોંધાવાની સાથે જ સંબંધિત વિસ્તારને સીલ કરવામા આવતો હતો. કોઈ બિલ્ડિંગમાં પાંચથી વધુ કેસ આવે તો બિલ્ડિંગને સીલ કરવામાં આવતી હતી. ત્રીજી લહેર દરમિયાન 20 ટકા ઘરમાં કોરોનાના દર્દી નોંધાયા હોવાથી સીલ બિલ્ડિંગની સંખ્યા વધી ગઈ હતી.
છ જાન્યુઆરીના 32 ઝૂંપડપટ્ટી અને 508 બિલ્ડિંગ કન્ટેઈન્મેન્ટ ઝોન હેઠળ આવી ગયા હતા. 10 જાન્યુઆરીમાં તેમાં ઘટાડો થયો હતો. ઝૂંપડપટ્ટી સંખ્યા 30 અને બિલ્ડિંગની સંખ્યા 168 પર આવી હતી. 12 જાન્યુઆરીના ઝૂંપડપટ્ટી કન્ટેઈન્મેન્ટ મુક્ત થઈ ગયો હતો. અ સીલ ઈમારતની સંખ્યા 56 હતી. ત્યારબાદ 10 ફેબ્રુઆરીના મુંબઈમાં સીલ બિલ્ડિંગની સંખ્યા પણ શૂન્ય પર આવી ગઈ હતી. તેથી ઝૂંપડપટ્ટી બાદ હવે ઈમારત પણ કન્ટેઈન્ટમેન્ટ મુક્ત થઈ ગઈ છે.