ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 જુલાઈ, 2021
મંગળવાર
થોડા વરસાદમાં પણ મુંબઈના નીચાણવાળો વિસ્તાર કહેવાતા માટુંગા-કિંગ સર્કલમાં ઘૂંટણભેર પાણી ભરાતાં હતાં. હવે જોકે ચોમાસામાં રહેતી આ સમસ્યાનો કાયમી ઉપાય મળી ગયો છે. મુંબઈ મહાનગરપાલિકાએ માટુંગામાં મહાત્મા ગાંધી માર્કેટ પાસે મિની પંપિંગ સ્ટેશન ઊભું કર્યું છે. એને પગલે ચોમાસામાં વરસાદી પાણીનો તુરંત નિકાલ થઈ શકશે. આ પંપિંગની વરસાદી પાણી ફેંકવાની ક્ષમતા પ્રતિ મિનિટની 2.33 લિટરની છે.
બાંદરામાં ગયા વર્ષે કલાનગર જંક્શન પાસે મિની પંપિંગ સ્ટેશનને કારણે ભારે વરસાદ દરમિયાન પણ પાણી ભરાયાં નહોતાં. અહીં મળેલી સફળતાને પગલે પાલિકાએ માટુંગામાં ગાંધી માર્કેટ પાસે કિંગ સર્કલમાં આવો મિની પંપિંગ સ્ટેશન ઊભું કરવાનું કામ યુદ્ધના ધોરણે હાથમાં લીધું હતું. બે તબક્કાના આ કામમાં પહેલા તબક્કામાં અહીં બેસાડેલા પંપ વરસાદના પાણીને કિંગ સર્કલ પાસે આવેલા ભારતનગર રેલવે નાળામાં ફેંકશે ત્યાંથી પાણી દરિયામાં ફેંકાશે. બીજા તબક્કામાં નાળા પાસે ફ્લડ ગેટ બેસાડવામાં આવશે. જેથી કરીને મોટી ભરતી દરમિયાન દરિયાના પાણીને ગાંધી માર્કેટ અને કિંગ સર્કલમાં ઘૂસતાં રોકી શકાય.
અહીં ઉલ્લેખનીય છે કે 2005માં મુંબઈમાં અતિવૃષ્ટિ થઈ હતી, ત્યારે નીમવામાં આવેલી ચિતળે સમિતિએ મુંબઈમાં મોટા પાયા પર પંપિંગ સ્ટેશન ઊભા કરવાની ભલામણ કરી હતી. એમાં માહુલમાં પણ પંપિંગ સ્ટેશન બનાવવા માટે કહ્યું હતું. જોકે આટલાં વર્ષો પછી પણ એનું કામ અટકેલું છે. માહુલમાં જમીન સંપાદનમાં ખાસ્સો એવો સમય નીકળી ગયો છે, જે જમીન પર પંપિંગ સ્ટેશન ઊભું કરવાનું છે એ જમીન કેન્દ્ર સરકારના નેજા હેઠળ મીઠા અગરની છે.