ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 જૂન 2021
શનિવાર
મુંબઈમાં કોરોના નિયંત્રણમાં આવી રહ્યો છે. જોકે ઉત્તર મુંબઈના ગુજરાતી વિસ્તાર હજી પણ કોરોનાની ચપેટમાંથી મુક્ત થયા નથી. એક સમયે મુંબઈનું કોરોનાનું હૉટ સ્પૉટ કહેવાતું ધારાવી તથા વરલીમાં કોરોના નિયંત્રણમાં આવી ગયો છે. જોકે ઉત્તર મુંબઈમાં કેસ વધી જ રહ્યા છે. એમાં પણ હાલ કાંદિવલી, બોરીવલી તથા મલાડમાં ઍક્ટિવ કેસ વધુ હોવાથી આ વિસ્તારો કોરોનાના હૉટ સ્પૉટ બની રહ્યા હોવાનું જણાઈ આવે છે.
મુંબઈમાં કોરોના પૉઝિટિવિટી રેટની સાથે જ ઑક્સિજન ઑક્યુપેન્સી રેટ ઘટી ગયો છે. મુંબઈમાં કોરોનાના નવા કેસમાં પણ ધરખમ ઘટાડો થયો છે. હાલ સમગ્ર મુંબઈમાં ઍક્ટિવ કેસની સંખ્યા 14, 807 છે. જોકે એમાં સૌથી વધુ ઍક્ટિવ કેસ ઉત્તર મુંબઈમાં નોંધાઈ રહ્યા છે. બોરીવલીના R-C વૉર્ડમાં ઍક્ટિવ કેસ સૌથી અગ્રક્રમે છે. હાલ અહીં ઍક્ટિવ કેસની સંખ્યા 1,305 છે, ત્યાર બાદ સૌથી વધુ કેસ P-નૉર્થ વૉર્ડના મલાડમાં 1,062 એક્ટિવ કેસ છે, તો R-દક્ષિણ વૉર્ડના કાંદિવલીમાં 987 ઍક્ટિવ કેસ છે. P-દક્ષિણ વૉર્ડના ગોરેગામમાં 828 ઍક્ટિવ કેસ છે.
શું મુંબઈ મહાનગરપાલિકા રાજ્ય સરકાર કરતાં ઉપર છે? ગાઇડલાઇન પ્રમાણે નિર્ણય લેવામાં આવતા નથી
સમગ્ર મુંબઈમાં કોરોના નિયંત્રણમાં આવી રહ્યો છે, ત્યારે સમગ્ર મુંબઈની સરખામણીમાં સૌથી વધુ ઍક્ટિવ કેસ ઉત્તર મુંબઈમાં હોવાથી મુંબઈ પાલિકાની ચિંતામાં પણ વધારો થયો છે. અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈમા હાલ કોરોનાના સૌથી વધુ ઍક્ટિવ કેસ K-વેસ્ટ વૉર્ડના અંધેરી (પશ્ચિમ)માં છે. અહીં કોરોનાના 1,343 ઍક્ટિવ કેસ છે.