ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 ઑગસ્ટ, 2021
ગુરુવાર
મુંબઈમાં કોરોનાની બીજી લહેર નિયંત્રણમાં આવી ગઈ છે, પરંતુ ત્રીજી લહેર સપ્ટેમ્બરમાં આવવાની ચેતવણી નિષ્ણાતોએ વ્યક્ત કરી છે. એથી મુંબઈ મનપાએ ત્રીજી લહેરના આગમન પહેલાં જ એનો સામનો કરવા તૈયારી ચાલુ કરી દીધી હતી. એમાં પાલિકાએ મુંબઈમાં 12 ઠેકાણે 16 ઑક્સિજન પ્લાન્ટ ઊભા કરવાની હતી. બે મહિના થઈ ગયા, છતાં હજી સુધી માત્ર નવ ઑક્સિજન પ્લાન્ટ જ ઊભા થયા હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે. ઑક્સિજન પ્લાન્ટ ઊભા કરવા માટે ટેન્ડર બહાર પાડવાના એક મહિનાની અંદર એ કામ પૂરાં કરવાનાં હતાં, પરંતુ બે મહિના થયા છતાં કૉન્ટ્રૅક્ટર આ પ્લાન્ટ ઊભા કરી શક્યા નથી. કૉન્ટ્રૅક્ટરને પાંચ ટકા દંડ ફટકારવામાં આવ્યો છે.
પાલિકાએ તો કૉન્ટ્રૅક્ટરને દંડ ફટકારી દીધો છે, પરંતુ જો ત્રીજી લહેરનું આગમન થઈ ગયું અને આ ઑક્સિજન પ્લાન્ટનાં કામ પૂરાં નહીં થયાં તો એ માટે જવાબદાર કોણ એવા સવાલ થઈ રહ્યા છે. આ દરમિયાન પાલિકાના તમામ જમ્બો કોવિડ સેન્ટરમાં ઑક્સિજન પ્લાન્ટ ઊભા કરવાનો પ્રસ્તાવ સ્થાયી સમિતિમાં મંજૂર કરવામાં આવ્યો છે ત્યારે પહેલાંના જ પ્લાન્ટ બે મહિના બાદ પણ ઊભા થયા નથી તો જમ્બો કોવિડ સેન્ટરમાં ઑક્સિજન પ્લાન્ટ ક્યારે ઊભા થશે એવા સવાલ ભાજપે કર્યા છે. એટલુ જ નહીં, પણ ઑક્સિજન પ્લાન્ટ ઊભા કરવામાં મોટા પાયા પર ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ પણ ભાજપે કર્યો છે.