ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 3 જુલાઈ ૨૦૨૧
શનિવાર
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટકથી ભરેલી સ્કોર્પિયો પાર્ક કરવા અને મનસુખ હિરેન હત્યા કેસની તપાસ કરી રહેલી નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ પર પણ પોતાનો સકંજો વધારે કડક બનાવી રહી છે. એક મીડિયા હાઉસના અહેવાલ મુજબ NIA દ્વારા પકડાયેલા ભૂતપૂર્વ એન્કાઉન્ટર નિષ્ણાત પ્રદીપ શર્માએ પૂછપરછ દરમિયાન તેના બૉસ પરમબીર સિંહ સામે મહત્ત્વપૂર્ણ માહિતી આપી છે. હવે NIA તેની સામે પુરાવા એકત્રિત કરવામાં વ્યસ્ત છે.
આ ઉપરાંત મદદનીશ પોલીસ ઇન્સ્પેક્ટર અનુપ ડાંગે અને બિલ્ડર મયુરેશ રાઉતે પરબીરસિંહ વિરુદ્ધ એન્ટી- કરપ્શન બ્યુરો (ACB)માં ફરિયાદ કરીને ભ્રષ્ટાચારના ગંભીર આરોપ કર્યા છે. ACBએ તેમના નિવેદન નોંધી મામલાની તપાસ હાથ ઘરી છે.NIA સિવાય પરમબીર સિંહ પણ ACBના પણ રડાર પર છે. પરમબીરસિંહ ઉપર અત્યાચાર સહિતની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. હવે રાષ્ટ્રીય સહિત રાજ્યની તપાસ એજન્સીઓ પણ પરમબીર સિંહની પાછળ છે. આ કેસોમાં તેમની ધરપકડ પણ થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે હાલ 5 જુલાઈ સુધી પરમબીર સિંહ સીક લીવ ઉપર છે અને તે ફરીથી રાજ્ય સરકારને વધુ રજા માટે અરજી કરી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પરમબીર સિંહ ચંદીગઢની સ્થાનિક હૉસ્પિટલમાં દાખલ છે.