ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૯ જુલાઈ, ૨૦૨૧
ગુરુવાર
મહારાષ્ટ્રના થાણેમાં આજે સવારે મુમ્બ્રા બાયપાસ રોડનો એક ભાગ તૂટી પડ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (ટીએમસી)ના અધિકારીઓએ મીડિયાને જણાવ્યું હતું કે, રાત્રે 1.35 વાગ્યાની આસપાસ જ્યારે થાણે બાઉન્ડ લેનનો ચારથી પાંચ ફુટ લાંબો ભાગ રાણા નગર પડ્યો હતો ત્યારે આ હોનારતની જાણ થઇ હતી.
મુમ્બ્રા ટ્રાફિક પોલીસ અને ટીએમસીના રિજનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને માર્ગને અસ્થાયી રૂપે ટ્રાફિક માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. મુમ્બ્રા રેતીબંદર ઉપરથી પસાર થતા પુલ પર થાણે બાઉન્ડ લેનનો આશરે 60% વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. હાલ આ ભાગનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન ટ્રાફિકને સંચાલિત કરવા માટે કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા છે. તેવી માહિતી થાણા ટ્રાફિક પોલીસના પોલીસ કમિશનર બાલાસાહેબ પાટીલે મીડિયાને આપી હતી.
મહારાષ્ટ્રના ૧૧ જિલ્લાઓમાં પ્રતિબંધો યથાવત્ રહેશે; સરકારે કર્યો મોટો નિર્ણય, જાણો એ જિલ્લાઓનાં નામ
ઉલ્લેખનીય છે કે આ માર્ગ ઉપર 50,000 થી વધુ ભારે વાહનો ભિવંડી, તલોજા, પનવેલ અને જે.એન.પી.ટી. તરફ જાય છે. દિલ્હી, આગ્રા, અમદાવાદ અને ચેન્નાઇ તરફ જતા વાહનો પણ આ બાયપાસનો ઉપયોગ કરે છે. લેનનો એક ભાગ બંધ થવાથી કલવા બ્રિજ, થાણે બેલાપુર રોડ, મુલુંડ એરોલી લિંક રોડ, કલ્યાણ શીલ ફાટા રોડ, મુંબઇ નાસિક હાઇવે, મુમ્બ્રા શહેર, ઘોડબંદર રોડ અને ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પણ ટ્રાફિકને અસર થઇ હતી.