ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૯ જુલાઈ, ૨૦૨૧
ગુરુવાર
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાને બોલાવેલી ટાસ્ક ફોર્સની મિટિંગ પૂર્ણ થઈ છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પગલે રાજ્યના ઘણા જિલ્લાઓ પૉઝિટિવિટી રેટ ઓછો હોવા છતાં ઘણા સમયથી ત્રીજા તબક્કામાં જ છે. આ સંદર્ભે આજે ટાસ્ક ફોર્સની મિટિંગ થઈ હતી, જેમાં મુખ્ય પ્રધાને રાજ્યના તમામ જિલ્લાઓની સ્થિતિનો રિવ્યુ કર્યો હતો અને ટાસ્ક ફોર્સ સાથે ચર્ચા કરાઈ હતી. આ મિટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે રાજ્યના ૧૧ જિલ્લાઓમાં ત્રીજા તબક્કાના પ્રતિબંધો યથાવત્ રહેશે.
આ ૧૧ જિલ્લાઓમાંથી પાંચ જિલ્લા પશ્ચિમ મહારાષ્ટ્રના છે, તો મરાઠવાડાનો એક જિલ્લો છે. સતારા, સાંગલી, પુણે, કોલ્હાપુર, સોલાપુર, રાયગઢ, રત્નાગિરિ, સિંધુદુર્ગ, બીડ, પાલઘર અને અહમદનગર આ તમામ જિલ્લાઓમાં ત્રીજા તબક્કાના નિર્બંધ યથાવત્ રાખવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે આ તમામ જિલ્લાઓમાં કોરોનાની પરિસ્થિતિ હજી કાબૂમાં આવી નથી. રાજ્યના ૩૬માંના આ ૧૧ જિલ્લાઓમાં કોરોનાનો પૉઝિટિવિટી રેટ સરાસરી કરતાં અધિક છે, એથી સરકારે પ્રતિબંધો યથાવત્ રાખવાનો નિર્ણય કર્યો છે. અગાઉ કેન્દ્ર સરકારની ટીમે પણ સાંગલી અને કોલ્હાપુર જિલ્લામાં લૉકડાઉન કરવાનું સૂચન રાજ્ય સરકારને કર્યું હતું.