ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૯ જુલાઈ ૨૦૨૧
શુક્રવાર
ભારતીય રેલવે સામાન્ય લોકો માટે મુંબઈની જીવાદોરી સમી લોકલ ટ્રેન ખોલવા માટે તૈયાર છે, પરંતુ મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકાર કોરોના વાયરસને કારણે તેમાં અવરોધ કરી રહી છે. નવનિયુક્ત રેલ્વે રાજ્યમંત્રી રાવસાહેબ દનવેએ કહ્યું છે કે કેન્દ્ર સરકાર સામાન્ય લોકો માટે લોકલ શરૂ કરવા તૈયાર છે, પરંતુ જ્યાં સુધી રાજ્ય સરકાર લીલી ઝંડી નહિ આપે છે ત્યાં સુધી સામાન્ય લોકો મુસાફરી કરી શકશે નહિ.
એવા સમયે જ્યારે મુંબઈની અડધાથી વધુ વસ્તીને કોરોના વાયરસ પ્રતિબંધાત્મક રસી આપવામાં આવી છે, ત્યારે ઠાકરે સરકાર બંને ડોઝ લીધેલા લોકોને પણ મંજૂરી આપવા માટે ખચકાટ અનુભવે છે. લોકલ ટ્રેનમાં અનધિકૃત રીતે પ્રવાસીઓ મુસાફરી કરતા હોવાથી હવે રાજ્ય સરકારે યુનિવર્સલ પાસ સિસ્ટમ લાવવાના પ્રયત્નો શરૂ કરી દીધા છે. તેથી નજીકના સમયમાં લોકલમાં સામાન્ય જનતાને પ્રવાસ કરવાની પરવાનગી મળે તેવી શક્યતા નહિવત છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ જ રાજ્યના રાહત અને પુનર્વસન પ્રધાન વિજય વડેટ્ટીવારે સ્પષ્ટ કરી દીધું હતું કે મુંબઈ જ્યાં સુધી લેવલ-૧માં નહિ આવે ત્યાં સુધી લોકલમાં સામાન્ય જનતાને પ્રવાસ કરવાની પરવાનગી મળશે નહિ, પરંતુ કોરોનાના ડેલ્ટા વેરિયન્ટને પગેલ મહારાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં પ્રથમ અને દ્વિતીય તબક્કાના નિયમો લાગુ ન કરવાનો નિર્ણય લેવાયો હતો.