ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૪ જૂન ૨૦૨૧
સોમવાર
મીરા-ભાયંદર મહાનગરપાલિકાના કમિશનર દિલીપ ઢોલેએ નવમી જૂને જારી કરેલા પરિપત્ર હવે સ્થાનિક લોકોમાં નારાજગી અને ખાસ કરીને ડૉક્ટરોને માટે આક્રોશનું કારણ બની ગયું છે. મહારાષ્ટ્ર સરકારના આંકડાઓ મુજબ બીજા તબક્કામાં આવતી આ પાલિકાએ હવે તમામ ફૅમિલી ફિઝિશિયનોને પોતાના ક્લિનિકમાં જ ફરજિયાતપણે કોરોનાનો રેપિડ એન્ટિજેન ટેસ્ટ કરવાનું કહ્યું છે.
એ બદલ પાલિકા દરેક ફિઝિશિયનને દરરોજ ૨૫ ટેસ્ટ કિટ પણ આપી રહી છે અને આ ટેસ્ટનો તમામ ડેટા દૈનિક ધોરણે બપોરે 3 વાગ્યા પહેલાં પાલિકાના આરોગ્ય વિભાગના વિસ્તારના સંબંધિત અધિકારીને આપવાનો રહેશે. પાલિકાનું માનવું છે કે આને કારણે કોરોનાના સંક્રમિતોની જાણકારી તુરંત મળવાની સાથે તેમને તાત્કાલિક સારવાર પણ આપી શકાશે. એ સાથે મહારાષ્ટ્ર સરકારે શરૂ કરેલા બ્રેક ધ ચેન અભિયાનને પણ વેગ મળશે. આ નિયમનું ઉલ્લંઘન કરતા ડૉક્ટર ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત તેમનું લાઇસન્સ રદ કરાશે.
આ નિયમોથી સ્થાનિક ડૉક્ટરોમાં ભારે નારાજગી છે. પાલિકાના આ અવ્યવહારુ નિર્ણય વિશે ડૉક્ટરનું માનવું છે કે કોરોનાનું સેમ્પલ લેવા માટે ટ્રેનિંગની જરૂર હોય છે અને નાનકડા ક્લિનિકમાં એકલે હાથે પ્રૅક્ટિસ કરતા ફિઝિશિયનો માટે આ શક્ય નથી. જો આમ જ રહ્યું તો તેમણે થોડાક સમયમાં ક્લિનિક બંધ રાખવાનો વારો આવશે.
ઉલ્લેખનીય છે કે બીજી તરફ પાલિકાનું માનવું છે કે ફિઝિશિયનો પોતાને ત્યાં આવતા શંકાસ્પદ કોરોના દર્દીઓને પાંચ-સાત દિવસની દવા આપી અને ઘરે જ રહેવાનું કહેતા હોય છે. તેથી પાલિકાએ આ કડક કાયદો કર્યો છે. તેથી હવે આગળ શું થાય છે તે જોવું રહ્યું, પરંતુ એક વાત નક્કી છે કે હાલ બીમાર પડેલા વ્યક્તિ માટે એક રીતે કોરોના ટેસ્ટ ફરજિયાત થઈ ગયો છે.