ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 જૂન 2021
સોમવાર
ચોમાસામાં રસ્તે ચાલનારા રાહદારીઓ માટે ખુલ્લી ગટરો અને મેનહોલ જોખમી બની શકે છે. એથી મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈના મેનહોલને લોખંડની જાળીઓથી ઢાંકી દીધી છે. એ માટે મુંબઈ પાલિકાએ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે. મુંબઈમાં લગભગ 73,000 મેનહોલ છે.
વરસાદી પાણીનો નિકાલ કરવા માટે અમુક વખતે રસ્તાઓ પર આવેલા મેનહોલ અજાણ્યા લોકો દ્વારા ખુલ્લા મૂકી દેવામાં આવતા હોય છે. જે રાહદારીઓ માટે જોખમી બની શકે છે. એથી પાલિકાએ આવા મેનહોલ પર લોખંડની જાળી બેસાડી દીધી છે. ભારે વરસાદમાં રસ્તામાં પાણી ભરાવાથી મેનહોલ નહીં દેખાવાના સંજોગોમાં એમાં કોઈ પડી ગયું તો પણ પાણીની સાથે તે તણાઈ જશે નહીં.
મુંબઈ શહેરમાં 855, પશ્ચિમ ઉપનગરમાં 355 અને પૂર્વ ઉપનગરમાં 186 મેનહોલ પર પાલિકાએ અત્યાર સુધી લોખંડની જાળી બેસાડી દીધી છે.
પહેલા વરસાદે મુંબઈમાં તૂટી પડી ઇમારત, એકનું મોત; જાણો અહીં વધુ વિગત
અહીં ઉલ્લેખનીય છે કે ઑગસ્ટ 2017માં અતિવૃષ્ટ દરમિયાન ગૉસ્ટ્રોસર્જન ડૉ. દીપક અમરાપૂરકરનું મેનહોલમાં પડી જવાથી મૃત્યુ થયું હતું. એથી આવા ખુલ્લા મેનહોલના જોખમને ધ્યાનમાં રાખીને પાલિકાએ એના પર જાળી બેસાડવાનો નિર્ણય લીધો હતો.