ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૧ જુલાઈ, ૨૦૨૧
બુધવાર
વરસાદને કારણે મુંબઈના રસ્તાઓ પરના ખાડાઓ ભરવાની જવાબદારી પાલિકાના વહીવટીતંત્રની છે, પરંતુ આ જોખમી ખાડાને કારણે કોઈ જાનહાનિ અને ટ્રાફિક જામ ન થાય એ માટે હવે ટ્રાફિક પોલીસે પોતાનું મૂળ કામ બાજુએ મૂકી ખાડા પૂરવા પડ્યા છે. મુલુંડ ચેકનાકા વિસ્તારમાં હવે ખાડા પૂરવાની કામગીરી ટ્રાફિક પોલીસે હાથ ધરી છે.
છેલ્લા એક અઠવાડિયાથી રસ્તાઓ ખાડાથી ભરાઈ ગયા હતા. આનાથી અકસ્માત થવાની સંભાવના અને ટ્રાફિક જામની સમસ્યા વધી ગઈ હતી. આથી ટ્રાફિક પોલીસે મંગળવારે સવારે જાતે જ ખાડા ભરવાનું શરૂ કર્યું હતું. આ ખાડાઓ અસ્થાયી રૂપે ટ્રાફિક પોલીસે ભરી દીધા છે, પરંતુ હવે સવાલ એ ઊભા થાય છે કે પાલિકા ગાઢ નિદ્રામાંથી ક્યારે જાગી આ ખાડાઓની સમસ્યાઓનો અંત ક્યારે લાવશે.
ઉલ્લેખનીય છે કે લોકોની હાલાકી જોતાં ટ્રાફિક પોલીસે ખાડા પૂરવાનું બીડું ઉપાડ્યું હતું. છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાએ માઝા મૂકી છે એને કારણે રસ્તાઓને પણ ભારે નુકસાન થયું હતું અને મુલુંડ ચેકનાકા પાસે છ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો હતો. ઉપરાંત ઍમ્બ્યુલન્સ પણ અહીં ફસાય ગઈ હતી. એથી આખરે ટ્રાફિક પોલીસે સમસ્યાનો અંત લાવવા આ કામગીરી હાથ ધરી હતી.