ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 જૂન 2021
શુક્રવાર
મુંબઈના કાંદિવલી પરામાં થયેલા બોગસ રસીકરણમાં મુંબઈ મહાનગરપાલિકાની તપાસમાં ચોંકાવાનારી વિગત બહાર આવી છે. હીરાનંદાની હાઉસિંગ સોસાયટીમાં જે બનાવટી વેક્સિન આપવામાં આવી હતી, એ મૂળમાં કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દીવને મોકલવામાં આવવાની હતી.
પાલિકાએ સિરમ ઇન્સ્ટિટ્યૂટ પાસે આ બોગસ વેક્સિનેશન કૅમ્પમાં વાપરવામાં આવેલી કોવિશીલ્ડ વેક્સિનની બાટલીઓના બૅચ નંબર વિશે માહિતી માગી હતી. એમાં આ બૅચ નંબરની બાટલીઓ દમણ અને દીવમાં મોકલવામાં આવવાની હોવાનો જવાબ સિરમે આપ્યો હતો.
એથી આ બૅચ નંબરની કોવિશીલ્ડની બાટલીઓ કાંદિવલીની હૉસ્પિટલને આપવામાં આવી હતી? અને એ હૉસ્પિટલે આ બાટલીઓ કાંદિવલીની હાઉસિંગ સોસાયટીઓમાં મોકલી હતી કે શું? એની તપાસ પોલીસ કરશે એવું પાલિકાના અધિકારીનું કહેવું છે.
ચારકોપ વિસ્તારમાં ગેરકાયદેસર હોસ્પિટલોની ભરમાર. રહેઠાણ વિસ્તારમાં કાયદાઓ તોડીને હોસ્પિટલો ધમધમે છે.
પાલિકાના અધિકારીઓએ રસીના બ્લૅકમાર્કેટિંગ થઈ રહી હોવાની શક્યતા પણ વ્યક્ત કરી છે. એથી વેક્સિન સેન્ટરમાંથી આ વેક્સિનની બાટલીઓ બ્લૅકમાર્કેટિંગ કરનારાઓએ લીધી હોવાની શક્યતા છે. જો આ બૅચની વેક્સિન મહારાષ્ટ્રની બહાર બીજા રાજ્યમાં મોકલવાની હતી, તો પછી એ મુંબઈમાં કેવી રીતે આવી એની તપાસ પણ કરવામાં આવશે એવું પાલિકાના અધિકારીએ કહ્યું હતું.