ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 જૂન 2021
ગુરુવાર
બુધવારે પડેલા મુશળધાર વરસાદમાં નવી મુંબઈની APMC માર્કેટમાં પણ મોટા પ્રમાણમાં પાણી ભરાયાં હતાં. પાણી ભરાઈ જવાને કારણે વેપારીઓના માલ-સામાનને તો સદનસીબે બહુ નુકસાન નથી થયું, પરંતુ થોડા વરસાદમાં પણ ભરાઈ જતાં પાણીને કારણે વેપારી આલમમાં ફરી એક વખત પ્રશાસન સામે રોષ જોવા મળ્યો છે.
બુધવારે APMC બજારની મોટા ભાગની ગલીઓમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયાં હતાં, તો બજારની અમુક ગલીઓમાં ગટરવ્યવસ્થા નબળી હોવાથી ગટરનાં પાણી વરસાદનાં પાણી સાથે ભેગાઈ ગયાં હતાં. આ ગંદાં પાણી અનેક રિટેલ દુકાનોમાં ઘૂસી ગયાં હતાં. જોકે માલ-સામાનને નુકસાન નહોતું પહોંચ્યું. જોકે ગંદાં પાણીમાં ઊભા રહીને વેપારી, દલાલભાઈઓ વગેરેને કામ કરવું પડ્યું હતું, એને કારણે તેઓમાં નારાજગી જોવા મળી હતી.
વાશી APMC માર્કેટના ડાયરેક્ટર કીર્તિ રાણાના જણાવ્યા પ્રમાણે વર્ષોથી APMC માર્કેટમાં થોડા વરસાદમાં પણ પાણી ભરાવાની સમસ્યા રહી છે, જેના પર હજી સુધી કોઈ ઉકેલ આવી શક્યો નથી. બુધવારે બજારની તમામ ગલીઓમાં ઘૂંટણભેર પાણી હતાં. સદનસીબે કોઈના ગોડાઉનમાં પાણી ભરાયાં નહોતાં. APMC માર્કેટનો ઢાંચો 34 વર્ષ જૂનો છે. બાંધકામ હવે જૂનું થઈ ગયું છે. ગટરવ્યવસ્થા પણ બરોબર નથી. એથી વરસાદ દરમિયાન ગટરનાં ગંદાં પાણી બજારમાં ફરી વળ્યાં હતાં. આવાં ગંદાં પાણીમાં વેપારી, દલાલભાઈઓ, દુકાનમાં કામ કરનારા તથા માથાડી કામદારોના આરોગ્યને નુકસાન કરી શકે છે. અમે વર્ષોથી સરકારને અહીં ઇન્ટરનૅશનલ લેવલની બજાર બનાવવાની માગણી કરી રહ્યા છીએ પણ એની તરફ દુર્લક્ષ કરવામાં આવી રહ્યું છે.
APMCના અન્ય વેપારી પુરષોત્તભાઈ પુંજાણીએ જણાવ્યું હતું કે ભારે વરસાદને પગલે APMC બજારની જુદી-જુદી લેનમાં વરસાદનાં તથા ગટરનાં પાણી ઘૂસી ગયાં હતાં. માલ-સામાનને નુકસાન નહોતું થયું, પરંતુ ડિલિવરી કાઉન્ટરની ગલીઓમાં પાણી ફરી વળતાં ટ્રકમાંથી માલ-સામાન ઉતારવા દરમિયાન ભારે તકલીફ થઈ હતી. ઘૂંટણસમાં પાણીમાં ઊભા રહીને વેપારી, દલાલભાઈઓને કામ કરવું પડ્યું હતું. મહારાષ્ટ્ર સરકાર અને પ્રશાસનને અહીં ગટરોના સમારામ બાબતે અનેક વખત ફરિયાદ કર્યા બાદ પણ એના તરફ ધ્યાન આપવામાં આવી રહ્યું નથી.