ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૫ જૂન 2021
શુક્રવાર
ચોમાસાના આગમન સાથે જ જૂન મહિનામાં મનમૂકીને વરસાદ પડયો છે. તેમાં પણ મુંબઈને પાણી પૂરું પાડનારા જળાશયોના કેચમેન્ટ એરિયામાં પણ નોંધપાત્ર વરસાદ પડયો છે. હવામાન ખાતાએ આગામી દિવસોમાં સારો વરસાદ પડવાનો અંદાજો વ્યક્ત કર્યો છે. તેથી મુંબઈગરાને આ વર્ષે પાણી કાપનો સામનો કરવાની નોબત નહીં આવે એવી શકયતા પાલિકાના પાણી પુરવઠા ખાતાએ વ્યક્ત કરી છે.
વરસાદની હાલ છૂપાછૂપી ચાલી રહી છે. છતાં મુંબઈને પાણી પૂરૂં પાડનારા સાતેય જળાશયોમાં માત્ર 20 દિવસોમાં જ 15 ટકા પાણી જમા થઈ ગયું છે. હજી ચોમાસાના ત્રણ મહિના બાકી છે. તેમ જ આ વર્ષે સારા ચોમાસાની આગાહી હવામાન ખાતાએ કરી છે. તેથી બહુ જલદી જળાશયો છલકાઈ જશે એવો અંદાજો પણ મુંબઈ પાલિકાના પાણી પુરવઠા ખાતાએ વ્યક્ત કર્યો છે.
પાલિકાએ આપેલા આંકડા મુજબ મુંબઈ પાણી પૂરું પાડનારા તમામ જળાશયોમાં અત્યાર સુધી 333 મિલીમીટરથી 1,424 મિલીમીટર સુધી વરસાદ પડી ચૂક્યો છે. છેલ્લા બે વર્ષની સરખામણીમાં આ વર્ષે જૂન મહિનામાં કેચમેન્ટ એરિયામાં નોંધનીય વરસાદ પડયો છે. હાલ તમામ જળાશયોમાં વરસાદને કારણે 2,27,275 મિલિયન લિટર જેટલો પાણીનો સ્ટોક છે. ગયા વર્ષે આ જ સમયે તમામ જળાશયોમાં માત્ર 1,40,203 મિલિયન લિટર પાણી હતું. તો 2019માં ફકત 75,936 મિલિયન લિટર પાણી જમા હતું.
મુંબઈને મોડક સાગર, અપર વૈતરણા, મધ્ય વૈતરણા, તાનસા, ભાતસા, વિહાર અને તુલસીમાંથી આખુ વર્ષ પાણી પુરવઠો કરવામાં આવે છે. આ જળાશયોમાં ઓક્ટોબર સુધી 14,47,363 મિલિયન લિટર જેટલો પાણીનો સ્ટોક હોવો આવશ્યક છે. આટલો સ્ટોક હોય તો મુંબઈમાં વોટર કટ લાદવામાં આવતો નથી.