ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 જુલાઈ 2021
શુક્રવાર
મુંબઈમાં બનાવટી વેક્સિનેશન કૅમ્પના અત્યાર સુધી પોલીસ ચોપડે 11 ગુના નોંધાયા છે, તો 13 લોકોની ધરપકડ થઈ છે ત્યારે આ સમગ્ર બોગસ વેક્સિનેશનના ષડ્યંત્રમાં અગ્રણી રાજકીય પક્ષના નેતા અને તેના કાર્યકર્તાઓનો પણ સહભાગ હોવાનો આક્ષેપ કાંદિવલીના ચારકોપના સ્થાનિક નાગરિકોએ કર્યો છે.
કાંદિવલીમાં બનાવટી વેક્સિન પ્રકરણની પોલીસ તપાસ કરી રહી છે. એમાં ધરપકડ કરાયેલામાં કાંદિવલીની શિવમ્ હૉસ્પિટલના માલિક ડૉક્ટર શિવરાજ પથારિયા અને તેની પત્ની ડૉ. નીતા પથારિયાનો પણ સમાવેશ થાય છે. હૉસ્પિટલમાં શેની રસી અપાતી હતી, એની તપાસ કરવા પોલીસે બાટલીઓ ટેસ્ટ માટે મોકલી છે. એ સાથે જ જેમને વેક્સિન આપવામાં આવી હતી તેમના બ્લડ સૅમ્પલ લેવામાં આવ્યાં છે.
બોગસ વેક્સિનેશનનો ભાંડો ફૂટી ગયો છે ત્યારે એમાં અગ્રણી રાજકીય નેતા અને પક્ષના સ્થાનિક સ્તરના કાર્યકર્તા પણ સામેલ હોવાનો આરોપ સ્થાનિક નાગરિકો વ્યક્ત કરી રહ્યા છે. કારણ કે આ પક્ષના નેતા અને કાર્યકર્તાઓ લોકોને આ હૉસ્પિટલમાં જ આવીને વેક્સિન લેવાનું દબાણ કરતા હતા. એટલું જ નહીં પણ શિવમ્ હૉસ્પિટલમાં વેક્સિન લેવા આવનારા નાગરિકોનો હિસાબ પણ આ પક્ષના કાર્યકર્તા જ રાખતા હોવાનો આરોપ પણ ચારકોપના નિવાસીએ કર્યો છે. એ સાથે વેક્સિન લેનાર ઇચ્છુક પાસેથી આ પક્ષના કાર્યકર્તાઓ પૈસા પણ વસૂલ કરતા હોવાની ફરિયાદ પણ સ્થાનિકોએ કરી છે.
મુંબઈ શહેરમાં કોરોનાને કારણે ઉત્તર મુંબઈ સૌથી વધુ પ્રભાવિત; જાણો તાજા આંકડા
કાંદિવલીના એક રહેવાસીના કહેવા મુજબ રાષ્ટ્રીય પક્ષના નેતાના કહેવાથી તેઓ શિવમમાં વેક્સિન લેવા ગયા હતા. વેક્સિન લીધા બાદ તેમને સર્ટિફિકેટ પણ મળ્યાં નહોતાં. મુંબઈથી વેક્સિન લીધું હોવા છતાં તેઓ ગુજરાતના વેક્સિનેશન સેન્ટરના નામે સર્ટિફિકેટ આપવાની વાત કરતા હતા. સર્ટિફિકેટમાં અને વેક્સિનેશનમાં ગોટાળો હોવાની શંકા હતી. એથી એ પક્ષના નેતા સુધી રજૂઆત કરી હતી. પક્ષના કાર્યકર્તા સુધી પણ ગયા હતા. જોકે આ તમામ લોકોએ હાથ ઉપર કરી દીધા છે. એથી નકલી વેક્સિનેશનમાં આ લોકો પણ જોડાયા હોવાની શંકા પાકી થઈ ગઈ હોવાનું ચારકોપના અન્ય રહેવાસીએ કહ્યું હતું. રાજકીય પક્ષના કાર્યકર્તાઓએ વેક્સિન લેવા ઇચ્છુક નાગરિકો સાથે છેતરપિંડી કરીને ફસાવ્યા છે. સ્થાનિક નાગરિકોના આરોપ બાદ વેક્સિનેશન માટે આ હૉસ્પિટલનો આગ્રહ કરનારા રાજકીય નેતા સહિત પક્ષના કાર્યકર્તા હાલ મોઢું સીવીને બેઠા છે, ત્યારે પોલીસની તપાસનો રેલો શું તેમના સુધી પણ પહોંચશે એવો સવાલ નાગરિકોને થઈ રહ્યો છે.