ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,14 જુલાઈ, 2021
બુધવાર
મહારાષ્ટ્રના અનેક જિલ્લામાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. નદીઓમાં પૂર આવ્યાં છે, પરંતુ મુંબઈને પાણી પૂરું પાડનારાં જળાશયોમાં છૂટાછવાયા વરસાદનાં ઝાંપટાં જ પડી રહ્યાં છે. પરિસ્થિતિ એવી છે કે છેલ્લાં બે વર્ષની સરખામણીમાં આ વર્ષે જળાશયોમાં સૌથી ઓછું પાણી છે. સાતેય જળાશયોમાં માત્ર 17 ટકા જેટલો પાણીનો સ્ટૉક બચ્યો છે. એથી મુંબઈગરાના માથે પાણીકાપ મુકાવાની શક્યતા જણાઈ રહી છે.
મુંબઈને પાણી પૂરું પાડનારાં સાતેય જળાશયોમાં હાલ 2,50,518 મિલિયન લિટર જેટલો જ પાણીનો સ્ટૉક બચ્યો છે, જે માત્ર 17 ટકા કહેવાય. એની સામે 2020માં જળાશયોમાં આ સમયે 3,39,067 મિલિયન લિટર જેટલો પાણીનો સ્ટૉક હતો, તો 2019માં આ જ સમયે 6,52,728 મિલિયન લિટર જેટલું પાણી જમા હતું. છેલ્લાં બે વર્ષની સરખાણીમાં આ વર્ષે જળાશયોમાં પાણી ઓછું છે, એમાં પાછું જળાશયોના કૅચમેન્ટ એરિયામાં વરસાદનું પ્રમાણ નહિવત્ છે. એથી મુંબઈ પાલિકાનું ટેન્શન વધી ગયું છે.
અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈને દરરોજ 3,800 મિલિયન લિટર જેટલો પાણીપુરવઠો પૂરો પાડવામાં આવે છે. મુંબઈને આખું વર્ષ પાણીકાપ વગર પાણી આપવાનું હોય તો પહેલી ઑક્ટોબરના રોજ સાતેય જળાશયોમાં 14,47,000 મિલિયન લિટર જેટલો પાણીનો સ્ટૉક હોવો જોઈએ. હાલ જળાશય માત્ર 17 ટકા પાણી બચ્યું છે. એની સામે વરસાદ પણ સંતોષજનક નથી. એથી બહુ જલદી પાણીકાપ બાબતે પાલિકા પ્રશાસન કોઈ નિર્ણય લે એવી શક્યતા છે.