ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 સપ્ટેમ્બર, 2021
શનિવાર
મુંબઈના સાકીનાકામાં 32 વર્ષની મહિલા પર ક્રૂરતાપૂવર્ક સામૂહિક બળાત્કાર અને હત્યાનો બનાવ બનતાં ખળભળાટ મચી ગયો હતો. ખૈરાણી રોડ પરિસરમાં એક ટેમ્પોમાં આ ચોંકાવનારો બનાવ બન્યો હતો, જેમાં દિલ્હીની નિર્ભયાની માફક મહિલા પર બળાત્કાર કરીને આરોપીઓએ તેના પ્રાઇવેટ પાર્ટમાં ખૂબ ખરાબ રીતે રોડ નાખી અરેરાટી ઊપજાવે એ રીતે તેને ત્રાસ આપ્યો હતો. ગંભીર હાલતમાં હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલી પીડિત મહિલાનું કમભાગી રીતે મૃત્યુ થયું.
કલાકોની અંદર પોલીસે આ પ્રકરણમાં 45 વર્ષના આરોપી મોહન ચૌહાણની ધરપકડ કરી હતી. જોકે પોલીસને આ ગુનામાં વધુ આરોપી સંકળાયેલા હોવાની શંકા છે. રાજ્યના ગૃહપ્રધાન દિલીપ વળસે પાટીલે આ દુર્ઘટનાને કમભાગી ગણાવી હતી. આ બનાવ બાદ જોકે મહારાષ્ટ્ર સરકાર હરકતમાં આવી ગઈ હતી અને મહિલાઓની સુરક્ષાને લઈને વિરોધ પક્ષે સરકારને ઘેરી લીધી હતી. દિવસે ને દિવસે મહિલાઓ પર અને બાળકીઓ પર થઈ રહેલા અત્યાચારને લઈને સરકારની ભારે ટીકા કરી હતી.
શુક્રવારે વહેલી સવારે પોલીસ કન્ટ્રોલને ખૈરાણી રોડ પર એક શખ્સ મહિલાને મારી રહ્યો હોવાનો ફોન ગયો હતો. પોલીસ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, જ્યાં મહિલા લોહીના ખાબોચિયામાં ગંભીર રીતે જખમી અવસ્થામાં મળી આવી હતી. તેને તુરંત ઘાટકોપરની રાજાવાડી હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.
પોલીસને પ્રાથમિક તપાસમાં મહિલા પર બળાત્કાર કરીને તેના પ્રાઇવેટ પાર્ટમાં લોખંડનો રોડ નાખવામાં આવ્યો હોવાનું જણાઈ આવ્યું હતું. રસ્તા પર પાર્ક કરવામાં આવેલા એક ટેમ્પોમાં આ બનાવ બન્યો હોવાનું પોલીસે તપાસમાં નોંધ્યું હતું. ટેમ્પોમાં લોહીના ડાઘા પણ મળી આવ્યા હતા.
મહિલા પર બળાત્કાર કરીને ખૂબ ખરાબ હાલતમાં તેના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો નાખી ગંભીર રીતે જખમી કરવામાં આવતી હતી. સારવાર દરમિયાન જોકે પીડિત મહિલાનું મૃત્યુ થયું હતું. આ બનાવ બાદ પોલીસે તુરંત તપાસ આદરીને કલાકોની અંદર જ આરોપી મોહન ચૌહાણને દબોચી લીધો હતો. તેની ધરપકડ કરી તેની સામે ઇન્ડિયન પિનલ કોડની 307 હત્યાનો પ્રયાસ તથા 376 બળાત્કારની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસને આ ગુનામાં એક કરતાં વધુ આરોપી સંકળાયેલા હોવાની શંકા છે. આરોપીની પોલીસ પૂછતાછ કરી રહી છે. તેમ જ આજુબાજુના એરિયામાં રહેલા સીસીટીવી સહિતની વધુ તપાસ પણ પોલીસ કરી રહી છે.