ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22 જુલાઈ 2021
ગુરુવાર
કોરોનાની બીજી લહેરમાંથી મુંબઈ માંડ બહાર નીકળ્યું છે, ત્યાં બાળકોમાં અને સિનિયર સિટઝનમાં શ્વાસને લગતી બીમારીઓ જોવા મળી રહી છે. એમાં હવે પાછું ઝિકા નામના નવા વાયરસનું જોખમ મુંબઈગરાને માથે મંડરાઈ રહ્યું છે. સદનસીબે હજી સુધી મુંબઈમાં એનો એક પણ કેસ નોંધાયો નથી.
છેલ્લા એક અઠવાડિયાથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે. વરસાદમાં ચોમાસાજન્ય કહેવાતી મલેરિયા, ડેન્ગ્યુ, લેપ્ટો જેવી બીમારીઓનું પ્રમાણ વધી જતું હોય છે. હજી સુધી ઝિકા વાયરસનો એક પણ કેસ નોંધાયો નથી, પંરતુ મલેરિયા અને ડેન્ગ્યુ જેવાં સમાન લક્ષણો હોવાથી એનું નિદાન કરવું મુશ્કેલ હોય છે. એથી તકેદારીના પગલારૂપે પાલિકાએ મચ્છરોના ઉત્પત્તિસ્થળ નાશ કરવાનું ચાલુ કરી દીધું છે. તેમ જ પાલિકાની હૉસ્પિટલમાં પલંગ પણ અનામત રાખવામાં આવ્યા છે.
એડિસ મચ્છર કરડવાથી ઝિકા વાયરસ થાય છે. 1947માં આફ્રિકામાં સૌપ્રથમ ઝિકા વાયરસ ફેલાયો હતો. મલેરિયા તેમ ડેન્ગ્યુ જેવાં જ તેનાં લક્ષણો હોવાથી નિદાન થવામાં સમય લાગે છે. અમુક સમયે નિદાન થવામાં અને સારવારમાં વિલંબને કારણે દર્દીનાં મૃત્યુ થઈ જતાં હોય છે.
ઝિકા વાયરસને કારણે તાવ આવવો, શરદી થવી, માથાનો દુખાવો થવો તેમ જ એક અઠવાડિયા કરતાં વધુ સમય સુધી શરીર પર ચાઠ્ઠાં રહેતાં હોય છે. અમુક લોકોને સાંધામાં દુખાવો અને આંખ આવવાની ફરિયાદ પણ થાય છે.