ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૭ જુલાઈ, ૨૦૨૧
શનિવાર
વેક્સિન સર્ટિફિકેટમાં ગોટાળો થયાનો એક મામલો બોરીવલીમાંથી પ્રકાશમાં આવ્યો છે. બોરીવલી પશ્ચિમમાં રહેતાં વીણાબહેને કોરોના રસીનો બીજો ડોઝ ન લીધો હોવા છતાં તેમને ગઈકાલે સાંજે એનું સર્ટિફિકેટ મળી ગયું છે. આ અંગે મોબાઇલ પર મૅસેજ મળતાં જ તે ચોંકી ગયાં હતાં અને પાલિકામાં ફરિયાદ નોંધાવી હતી. જોકેપાલિકાએ આ ઘટનાને તકનિકી ખામી ગણાવી આંખ આડા કાન કર્યા હતા.
પાલિકાએ વીણાબહેનને નજીકના સેન્ટરમાં જઈ વેક્સિન લેવા જણાવ્યું હતું, પરંતુ વેક્સિન સેન્ટરે સિસ્ટમમાં બીજા ડોઝનું સર્ટિફિકેટ જનરેટ થઈ ગયું હોવાથી તેમને વેક્સિન આપવાની ના પાડી દીધી હતી. આ સંદર્ભે વાત કરતાં વીણાબહેને ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું કે “મને મળેલા સર્ટિફિકેટ પર બધી જ વિગતો સાચી છે અને વેક્સિન સેન્ટરમાં પાલઘરની એક હૉસ્પિટલનું નામ છે, પરંતુ મને હજી વેક્સિનનો બીજો ડોઝ મળ્યો જ નથી.”
ઉલ્લેખનીય છે કે વીણાબહેને વેક્સિનનો પ્રથમ ડોઝ પાંચમી એપ્રિલના રોજ લીધો હતો. ૨૮ જૂને તેમને કોવિન ઍપ મારફતે બીજો ડોઝ લેવાનું નોટિફિકેશન આવતાં તેમણે બીજા ડોઝ લેવા માટેની પ્રક્રિયા કરી હતી પણ સ્લૉટ બુક થયો ન હતો. છતાં તેમને સર્ટિફિકેટ મળી જતાં તેમને હવે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.