ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 ફેબ્રુઆરી 2022
શુક્રવાર.
સેન્ટ્રલ રેલવેમાં આજે મધરાતથી 72 કલાકનો જમ્બો મેગાબ્લોક લેવામાં આવવાનો છે. તેથી સોમવાર સુધી સેન્ટ્રલ રેલવેમાં પ્રવાસ કરવો મુંબઈગરા માટે માથાનો દુખાવો બની રહે એવી શકયતા છે.
થાણે અને દિવા સ્ટેશનો વચ્ચે 72 કલાકનો મેગાબ્લોક આજે મધરાતથી શરૂ થવાનો હોવાથી જમ્બો મેગાબ્લોકના કારણે 350 લોકલ સર્વિસ રદ કરવામાં આવી છે. તો 100થી વધુ લાંબા અંતરની એક્સપ્રેસ, મેલ ટ્રેનો રદ કરવામાં આવી છે.
આ જમ્બો મેગાબ્લોક બહુપ્રતિક્ષિત પાંચમી અને છઠ્ઠી રેલવે લાઈનના કામ માટે લેવામાં આવી રહ્યો છે. સેન્ટ્રલ રેલવે પર પાંચમી અને છઠ્ઠી લાઇન શરૂ થવાથી પ્રવાસીઓને ઘણો ફાયદો થશે.
આ જમ્બો મેગા બ્લોક થાણેથી દિવા સ્ટેશન વચ્ચે પાંચમી લેન પર અને દિવાથી થાણે સ્ટેશન વચ્ચે અપ ફાસ્ટ લેન અને છઠ્ઠી લેનમાં હશે.
આ જમ્બો મેગાબ્લોકના કારણે કોંકણ જતી તમામ ટ્રેનો ત્રણ દિવસ માટે રદ કરવામાં આવી છે. આ મેગા બ્લોકને કારણે તેજસ, જન શતાબ્દી, એસી ડબલ ડેકર અને કોંકણ જતી કોચ્છુવેલી, મેંગલોર અને હુબલી એક્સપ્રેસ ટ્રેનો રદ કરવામાં આવી છે. તે સિવાય ડેક્કન એક્સપ્રેસ, ડેક્કન ક્વીન એક્સપ્રેસ, જલના જન શતાબ્દી, કોયના એક્સપ્રેસ, પંચવટી એક્સપ્રેસ સહિત 100 એક્સપ્રેસ ટ્રેનો ત્રણ દિવસ માટે રદ કરવામાં આવી છે.
દિવા-વસઈ મેમુ ટ્રેનો રદ કરવામાં આવી છે. અનેક ટ્રેનોને પનવેલ સ્ટેશન પર રોકવામાં આવશે. તમામ ફાસ્ટ લોકલને આ સ્લો રૂટ પર ડાયવર્ટ કરવામાં આવશે.
સેન્ટ્રલ રેલવેની પાંચમી અને છઠ્ઠી લેન માટે અત્યાર સુધીમાં અનેક વખત મોટા જમ્બો મેગાબ્લોક લેવામાં આવ્યા છે. જોકે સૌથી મોટો બ્લોક ચાર ફેબ્રુઆરી એટલે કે આજ મધરાથી લઈને શનિવાર અને શુક્રવાર છ ફેબ્રુઆરી સુધીનો છે. આ મેગાબ્લોક પછી, પાંચમી અને છઠ્ઠી લાઇન કાર્યરત થશે, એમ મુંબઈ રેલવે વિકાસ નિગમ (MRVC) એ જણાવ્યું હતું.