ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨3 જૂન ૨૦૨૧
બુધવાર
આ વાત છે એક એવી ગુજરાતી ગૃહિણીની જેણે પોતાની પાકકળાની નિપુણતાથી આજે લાખો લોકોને પ્રભાવિત કર્યા છે. વિલેપાર્લેમાં રહેતાં મનીષા ભારાણી યુટ્યુબ પર ખૂબ જ જાણીતું નામ છે. ‘મનીષા ભારાણી’સ કિચન’ નામની તેમની યુટ્યુબ ચૅનલ પર આજે ૬.૭૯ લાખ સબસ્ક્રાઇબર છે અને એ બદલ તેમને યુટ્યુબ તરફથી સિલ્વર પ્લે બટન પણ મળ્યું છે. યુટ્યુબ પર તેમના ૧,૦૦૦થી પણ વધુ વીડિયો છે.
મનીષાબહેન કેક, ડેઝર્ટ અને સ્નેક્સના માસ્ટર શેફ છે. તેમની પાસે કેકની ૧,૦૦૦થી વધુ વેરાઇટી છે. યુટ્યુબ ઉપરાંત તેમણે ઘણી કંપનીઓ સાથે પ્રિમિક્સ બનાવવા માટે પણ કામ કર્યું છે અને આ ક્ષેત્રમાં ૨૩ વર્ષનો અનુભવ ધરાવે છે. તેઓ આજે આંતરરાષ્ટ્રીય સ્તરે શેફને ટ્રેનિંગ આપવા સહિત નવી બેકરીઓ માટે સલાહકારરૂપે પણ કાર્ય કરે છે.
હકીકતે મૂળ તો મનીષાબહેન તંત્રજ્ઞાન ક્ષેત્રની વ્યક્તિ હતી, પરંતુ લગ્ન બાદ તેમણે પાકકળામાં પણ મહારત હાંસલ કરી. માત્ર કેક વેચવાથી શરૂઆત કરી હતી અને આજે પોતાની મહેનત અને લગનથી સફળતાનાં અનેક શિખરો સર કર્યાં છે. શરૂઆતમાં પોતાના કિચનથી તેમણે કેક બનાવતાં શીખવવાની ટ્રેનિંગ આપવાની શરૂ કરી અને બાદમાં તો ગુજરાતી ગૃહિણીઓના મનપસંદ એવા રસોઈ શોના કિચન સુધી પહોંચી ગયાં હતાં અને દોઢ વર્ષ રસોઈ શોમાં પણ કામ કર્યું હતું.
જોકેપાંચ વર્ષ અગાઉ સતત ભાગદોડ બાદ ગંભીર બીમારીને પગલે તેમણે આ બધું જ ટૂંક સમય માટે બંધ કરી દીધું હતું, પરંતુ તેમણે હિંમત હાર્યા વગર યુટ્યુબના માધ્યમે ધમાકેદાર વાપસી કરી હતી અને લાખો લોકોનો પ્રેમ અને સરાહના મેળવ્યાં છે. પહેલાં તેઓ અઠવાડિયામાં ચારથી પાંચ વીડિયો અપલોડ કરતાં હતાં ધીમે-ધીમે યુટ્યુબ પર પ્રસિદ્ધિ મળતાં તેમણે પોતાની ઇઝી રેસિપી ફોર સ્નેક્સ અને મનીષા’સ રેસિપી મરાઠી નામથી બીજી બે ચૅનલ પણ લૉન્ચ કરી છે.
આ સંદર્ભે વાતચીત કરતાં મનીષા ભારાણીએ ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું કે “યુટ્યુબ તો હવે મારો શ્વાસ બની ગયો છે અને આ માધ્યમે લોકો સાથે જોડાવું મને ખૂબ જ ગમે છે.” તેમણે ભારપૂર્વક ઉમેર્યું હતું કે દરેક માણસે ખાલી બેસવા કરતાં કંઈકને કંઈક કરવું જોઈએ અને પ્રવૃત્તિમય રહેવું જોઈએ. આ તમામ કાર્યમાં તેમના પરિવારે તેમને ખૂબ જ સારો સપોર્ટ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે મનીષાબહેને જે રીતે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી પોતાની રેસિપી ઘરે-ઘરે પહોંચાડી છે એ ખરેખર સરાહનીય છે. યુટ્યુબ પર આટલા બધા વીડિયો બનાવવા અને એ ક્રમ સતત જાળવી રાખવો કંઈ ખાવાના ખેલ નથી. ઉપરાંત ‘મેરી સહેલી’ મૅગેઝિનની પણ એક આખીઍડિશન તેમની કેક રેસિપીઓ પર બહાર પાડવામાં આવી હતી અને લોકો તરફથી પણ ઉત્તમ પ્રતિસાદ મેળવ્યો હતો.
યુટ્યુબ ચેનલની લીંક – https://www.youtube.com/channel/UCVR5ttwhOemkRc61XAaOz1w