ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૨ જૂન ૨૦૨૧
મંગળવાર
પ્રથમ લૉકડાઉનના સમયે જ્યારે લોકો ઘરે પુરાયા હતા અને વૃદ્ધો માટે બહાર ઘરનો સામાન લેવા જવું વધુ જોખમી બન્યું હતું ત્યારે કાંદિવલીમાં રહેતી એક યુવતીએ ઘરે-ઘરે જઈ ફળો અને શાકભાજી પહોંચાડ્યાં હતાં. આ વાત છે દૃષ્ટિ મહેતાની, જેણે વડીલો માટે પોતે જોખમ લઈને આ કાર્ય કર્યું હતું.
હાલ CAનો અભ્યાસ કરી રહેલી આ યુવતીને લૉકડાઉન દરમિયાન ધ્યાનમાં આવ્યું કે તેની માતા અને આસપાસના વયોવૃદ્ધ લોકોને જીવનજરૂરિયાતનો સામાન પહોંચાડવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. એથી તેણે જાતે જ પોતાના વિસ્તારના મોટી ઉંમરના લોકોને ઘરે-ઘરે જઈ તેમની જરૂરિયાત મુજબ ફળો અને શાકભાજી પોતાનું માર્જિન રાખ્યા વગર હોલસેલ ભાવે પહોંચાડ્યા હતા. દૃષ્ટિએ ગત વર્ષે એપ્રિલથી સપ્ટેમ્બર ૨૦૨૦ દરમિયાન કુલ ૮૦ જેટલાં ઘરમાં આ સેવા આપી હતી.
આ ઉપરાંત ગણેશોત્સવ સમયે તેણે‘ગો ગ્રીન ગણેશ’ નામની પહેલ શરૂ કરી હતી અને લોકોને ઘરે POPની મૂર્તિની જગ્યાએ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ લેવાની અપીલ કરી હતી અને તેને કારણે પર્યાવરણને થતા ફાયદા પણ સમજાવ્યા હતા. તેણે કુલ ૨૫ ઘર સુધી ઇકો ફ્રેન્ડલી ગણેશ પણ પહોંચાડ્યા હતા.
આ સંદર્ભે વધુ વાત કરતાં દૃષ્ટિ મહેતાએ ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું કે “આ વર્ષે પણ હું ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓનો પ્રચાર કરી વધુમાં વધુ ઘર સુધી આ મૂર્તિઓ પહોંચાડવા માગું છું.” ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું વિસર્જન ઘરે જ કરી શકાય છે. એ પાણીમાં POP અને જોખમી રસાયણયુક્ત કલરથી થતું પ્રદૂષણ અટકાવવામાં મદદ કરે છે.
ઉલ્લેખનીય છે કે દૃષ્ટિ હાલ CA ફાઇનલનો અભ્યાસ કરી રહી છે અને સાથે આર્ટિકલશિપ કરવાની સાથે આ ઉત્તમ કાર્ય પણ કરે છે અને પોતાનાથી બનતી મદદ સમાજ સુધી પહોંચાડવા તત્પરતાથી કાર્ય કરી રહી છે.
ગો ગ્રીન ગણેશની ઇન્સ્ટાગ્રામ લિન્ક – https://instagram.com/gogreenganesha?utm_medium=copy_link