ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 3 જૂન 2021
ગુરુવાર
લૉકડાઉનમાં જ્યારે લોકો પ્રવૃત્તિ રહિત હતા, એવામાં એક મહિલાએ બેસી રહેવા કરતાં પોતાના શોખને એક નવી દિશા આપવાનું પસંદ કર્યું હતું. હવે તેમની મહેનત રંગ લાવી છે અને તેઓ પોતાના શોખને જ વ્યવસાયમાં પરિણમવા મથી રહ્યાં છે. આ વાત છે હાલ સાંતાક્રુઝમાં રહેતાં નીપા શાહની, જે વિવિધ પ્રકારની હસ્તકલામાં પારંગત છે.
નીપા શાહ પોતાના હાથના હુન્નરથી જુદા-જુદા પ્રકારના મંડાલા આર્ટ, ડ્રૉઇંગ અને હવે તો સ્ટ્રિંગ આર્ટ પણ બનાવે છે. લૉકડાઉન દરમિયાન એકવાર તેમણે સ્ટ્રિંગ આર્ટની ડિઝાઇન જોઈ હતી, એ રસપ્રદ જણાતાં તેમણે આ વિશે વધુ માહિતી શોધતાં તેમને જણાયું કે આ આર્ટ બહુમૂલ્ય છે અને વિદેશમાં એની ખૂબ જ માગ છે.
સ્ટ્રિંગ આર્ટમાં એક હાર્ડ બોર્ડ ઉપર કલર કરી, ત્યાર બાદ એમાં નેઇલ્સ (ખિલ્લી) બેસાડી અને બાદમાં થ્રેડિંગ વર્ક દ્વારા વિવિધ પ્રકારની ડિઝાઇન બનાવવામાં આવે છે અને ત્યાર બાદ એનું ફ્રેમવર્ક કરવામાં આવે છે. ગત સપ્ટેમ્બર મહિના દરમિયાન તેમણે પણ સ્ટ્રિંગ આર્ટ બનાવવાની શરૂઆત કરી હતી અને એક પછી એક એમ ૧૧ જેટલી ડિઝાઇન બનાવી હતી.
આ કામ ખૂબ જટિલ છે એમાં ઍબ્સ્ટ્રેક્ટ ભૌમિતિકની મદદથી પૉઇન્ટ્સ ફિક્સ કર્યા બાદ નેઇલ્સ બેસાડવામાં આવે છે. આ એક આર્ટપીસની કિંમત ૧૨ હજારથી લઈને ૨૦ હજાર સુધીની હોય છે. જેનું વજન લગભગ છ કિલો જેટલું હોય છે. એક આર્ટ બનાવવા માટે બેથી ત્રણ દિવસનો સમય લાગે છે.
આ સંદર્ભે વાત કરતાં નીપા શાહે ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું કે “હું પહેલાં ઘરમાં જ સુશોભાનના નાના-નાના આર્ટપીસ બનાવતી હતી અને હવે સ્ટ્રિંગ આર્ટ દ્વારા મારી પ્રોફેશનલ કરિયર પણ બનાવવા ઇચ્છું છું.” આ સ્ટ્રિંગ આર્ટ માટે સિલ્કની જ સ્ટ્રિંગ હોવી જોઈએ, જે બજારમાં સરળતાથી મળતી નથી.
મોદીના મિત્ર નેતન્યાહુનું ઇઝરાયલમાં શાસન સમાપ્ત; જાણો કઈ રીતે તાજ છીનવાયો
ઉલ્લેખનીય છે કે નીપા શાહ બોરીવલીની ગુજરાતી શાળા શિશુ ભારતી વિદ્યાલયનાં ભૂતપૂર્વ વિદ્યાર્થિની છે.
જો આપ પણ આવું કોઈ આર્ટવર્ક કરાવવા ઈચ્છતા હોવ તો તેમનો parikhinvest@gmail.com આ ઈમેઈલ આઈડી પર સંપર્ક કરી શકો છો.
ઇન્સ્ટાગ્રામ લિંક – https://www.instagram.com/dhruvs.art.room/