ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 જૂન 2021
બુધવાર
આ વાત છે કલર્સ ગુજરાતીની પ્રખ્યાત ધારાવાહિક ‘સૂરી-લાવશે સપનાની સવાર’માં ઈદિયાનું પાત્ર ભજવી ચૂકેલા કલાકાર આદર્શ ગાંધીની, જે હાલ કાંદિવલીની કે.ઈ.એસ. કૉલેજમાં અભ્યાસ કરે છે. સામાન્ય રીતે ૧૦-૧૧ વર્ષની કુમળી વયે જ્યારે બાળકો પોતાનો મોટા ભાગનો સમય રમવામાં પસાર કરતાં હોય છે એવામાં આ યુવકે આટલી નાની ઉંમરથી જ પોતાની કારકિર્દી ઘડવાની શરૂઆત કરી દીધી હતી.
આદર્શે સૂરી સહિત CID, મહીસાગર, સબ ટીવી પર પ્રસારિત ખિડકી અને ભાખરવડી જેવી વિવિધ સિરિયલમાં કામ કર્યું છે. જ્યારે તે પાંચમા ધોરણમાં હતો ત્યારથી જ તેણે સિરિયલમાં બૅકગ્રાઉન્ડ આર્ટિસ્ટ તરીકે કામ કરવાની શરૂઆત કરી હતી. દરમિયાન તેણે વિવિધ ઓડિશન આપવાની પણ શરૂઆત કરી હતી. વર્ષ ૨૦૧૬માં તેની આ મહેનત રંગ લાવી હતી અને સૂરીમાં મુખ્ય પાત્ર ભજવવાની તક મળી હતી.
આ સિરિયલ કલર્સ ગુજરાતી પર લગભગ બે વર્ષ ચાલી હતી અને તેને લોકો તરફથી પણ ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. આ સિરિયલે ૫૦૦થી પણ વધુ એપિસોડ પૂર્ણ કર્યા હતા. ઉપરાંત આદર્શ કૉલેજની ડ્રામા ટીમમાં પણ તે જોડાયેલો છે અને હાલ TYBMMમાં અભ્યાસ કરે છે.
ભાયંદરની ગુજરાતી શાળામાં પોતાનો શાળાકીય અભ્યાસ કરનાર આદર્શ ગાંધીએ ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું કે “મેં મારી માતૃભાષામાં શિક્ષણ મેળવ્યું છે એનો મને ગર્વ છે.” તે હવે ડ્રામા તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવા ઇચ્છે છે અને હાલ ગુજરાતી સિનેમાજગતમાં પોતાની આગવી ઓળખ ઊભી કરવા મથી રહ્યો છે.
જાણો પૂનામાં આજે પણ ધમધમતી ગુજરાતીઓના પ્રતીક સમી આ ગુજરાતી શાળાને; ટૂંક સમયમાં પૂર્ણ થશે ૧૦૦ વર્ષ
ઉલ્લેખનીય છે કે આદર્શે તેની ટીમ સાથે માર્ચ મહિનામાં રેડ FM ગુજરાતી દ્વારા વર્લ્ડ થિયેટર ડે નિમિત્તે યોજાયેલ મોબાઇલ ફિલ્મ પ્રોજેક્ટ સ્પર્ધામાં પણ ભાગ લીધો હતો. જ્યાં ૧૫૦૦ શૉર્ટ ફિલ્મમાંથી શૉર્ટલિસ્ટ કરવામાં આવેલી ૩૮ શૉર્ટ ફિલ્મમાં પણ તેની ફિલ્મ ‘વર્લ્ડ ઇઝ અ સ્ટેજ’ને સ્થાન મળ્યું હતું.