ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૪ જુલાઈ, ૨૦૨૧
બુધવાર
દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટોકિયો ઑલિમ્પિક્માં ભારત તરફથી જઈ રહેલા ખેલાડીઓ સાથે ગઈકાલે ઑનલાઇન વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી સંવાદ કર્યો હતો. આ દરમિયાન તેમણે અમદાવાદની એક ગુજરાતી મહિલા ખેલાડી સાથે માતૃભાષામાં વાતચીત કરી હતી. મોદીએ વાતચીતની શરૂઆત કરતાં પૂછ્યું હતું કે “કેમ છે? હવે ગુજરાતી બોલે છે?
અમદાવાદથી ઈલાવેનીલ વાલારીવન ટોકિયો ઑલિમ્પિક ૨૦૨૦માં શૂટીંગમાં ભારત તરફથી રમવા જઈ રહી છે. ઈલાવેનીલ વડા પ્રધાને ગુજરાતીમાં વાત કરતાં ખુશ થઈ ગઈ હતી અને જવાબમાં કહ્યું હતું કે “હા સર, મને થોડુંક આવડે છે.” મોદીએ દરેક ખેલાડીઓને વિજય થવાની શુભકામના આપી હતી અને આંતરરાષ્ટ્રીય સ્તરે પસંદ થયેલા આ ખિલાડીઓને અભિનંદન પણ આપ્યાં હતાં.
હાલ કૉલેજમાં અભ્યાસ કરતી ૨૧ વર્ષીય ઈલાવેનીલ વાલારીવન સાથે વાત કરતાં વડા પ્રધાને સવાલ કર્યો હતો કે “મને જણાવવામાં આવ્યું છે કે તમે પહેલાંઍથ્લેટિક્સમાં જવાઇચ્છતાં હતાં તો એવું શું થયું કે શૂટિંગને રસ્તે આગળ વધ્યાં?” ત્યારે જવાબમાં ઈલાવેનીલે કહ્યું હતું કે “મેં શૂટિંગ પહેલાં ઘણા સ્પૉર્ટ્સ ટ્રાય કર્યા હતા. નાનપણથી મને સ્પૉર્ટ્સમાં ખૂબ રસ હતો. ઍથ્લેટિક્સ, બૅડ્મિન્ટન, જુડો વગેરે પણ ટ્રાય કર્યા હતા, પરંતુ જ્યારે મેં શૂટિંગ શરૂ કર્યું ત્યારે મેં ખૂબ જ એક્સાઇટમેન્ટ અનુભવ્યું હતું અને મને એ ગેમ સાથે લગાવ થઈ ગયો.”
વડા પ્રધાન મોદીએ જ્યારે તેઓ મણિનગરના MLA હતા, એ સમયને યાદ કરતાં કહ્યું હતું કે “મેં જ્યારે ખોખરામાં મારા એસેમ્બલી વિસ્તારમાં સૌપ્રથમ સ્પૉર્ટ્સ એકૅડેમી શરૂ કરી હતી ત્યારે તમે બધાં રમવા આવતાં હતાં. આજે મને તમને જોઈને ખૂબ ગર્વ થાય છે.” વડા પ્રધાને ઉમેર્યું હતું કે “તમે આટલી નાની ઉંમરે વિશ્વસ્તરે સફળતા પ્રાપ્ત કરી છે. દેશને આશા છે કે ખેલના આ સૌથી મોટા મંચ પર પણ તમે આ યાત્રાને ચાલુ રાખશો.”
ઉલ્લેખનીય છે કે ઈલાવેનીલ વાલારીવન મૂળ તામિલનાડુના કુડ્લોરની છે. આ યુવા ભારતીય શૂટરે 2018ISSF જુનિયર વર્લ્ડ કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને એ જ રીતે ગોલ્ડ મેડલ પણ જીત્યો હતો. વધુમાંતેણે વર્ષ 2019માં વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો અને સુહલમાં જુનિયર વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ પણ મેળવ્યો હતો. આ ઉપરાંત તેણે 28ઑગસ્ટના રોજ રિયો ડી જાનેરોમાં 251.7નો સ્કોર કરીને 2019ના ISSF10-મીટર ઍર રાઇફલ વર્લ્ડ કપમાં પણ પ્રથમ સ્થાન મેળવ્યું છે.