ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 જૂન 2021
ગુરુવાર
આ વાત છે એવી સંસ્થાની જે કાંદિવલીમાં વર્ષોથી બાળકોને ગુજરાતી શીખવવા ઉપરાંત સમાજના જરૂરિયાતમંદ વર્ગને પણ સહાય પહોંચાડી રહી છે. છેલ્લાં ૪૩ વર્ષથી કાર્યરત સંસ્થા એટલે સાંઈ સાર્વજનિક ટ્રસ્ટ. મૂળ તો આ ટ્રસ્ટની સ્થાપના શૈક્ષણિક અને તબીબી ખર્ચ માટે લોકોને મદદ કરવા માટે થઈ હતી અને સમય જતાં માતૃભાષા શીખવવાની શરૂઆત કરાઈ હતી.
હકીકતે લગભગ ૨૫ વર્ષ અગાઉ ટ્રસ્ટીઓના ધ્યાનમાં આવ્યું હતું કે અંગ્રેજી માધ્યમનાં બાળકોને માતૃભાષા ગુજરાતી આવડતી નથી, એથી તેમણે અંગ્રેજી માધ્યમનાં બાળકોને ગુજરાતી શીખવવા માટે વિવિધ જગ્યાએ કેન્દ્રો શરૂ કર્યાં. લૉકડાઉન પહેલાં દર વર્ષે વૅકેશન દરમિયાન બોરીવલી, કાંદિવલી, ઘાટકોપર સહિતનાં કેન્દ્રોમાં કુલ સરેરાશ ૨૦૦થી ૨૫૦ બાળકો આવતાં હતાં. જોકેહાલ ઑનલાઇન વર્ગોમાં પણ ૫૦-૭૦ બાળકો જોડાય છે.
આ ઉપરાંત દર વર્ષે કાંદિવલીના પંચોલિયા હૉલમાં બાળકો દ્વારા કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવે છે. એમાં બાળકો માતૃભાષામાં વિવિધ કૃતિઓ રજૂ કરે છે. એમ તો આ વર્ગો સંપૂર્ણપણે નિ:શુલ્ક ચલાવવામાં આવે છે, પરંતુ માત્ર બાળકોને ઉપયોગી જે પુસ્તકો આપવામાં આવે છે એ બદલ નજીવી રકમ લેવામાં આવે છે.
આ સંદર્ભે વધુ વાત કરતાં સંસ્થાના સ્થાપક ટ્રસ્ટી અનંતરાય બી. મહેતાએ ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું કે “અમારી પાસે બાળકો ઉપરાંત મોટી ઉંમરની વ્યક્તિ પણ ગુજરાતી શીખવા આવે છે, એવું પણ બન્યું છે કે માતા અને પુત્ર બંને સાથે ગુજરાતી શીખતાં હોય.” તેમણે ઉમેર્યું હતું કે બાળકોને માતૃભાષા શીખવવાની જવાબદારી માતાની હોય છે, પરંતુ ઘણી વાર માતાને પણ ગુજરાતી ન આવડતું હોવાથી અમે બંનેને શીખવીએ છીએ.
ઉલ્લેખનીય છે કે સાંઈ સાર્વજનિક ટ્રસ્ટ માતૃભાષા શીખવા ઉપરાંત જરૂરિયાતમંદ બાળકોને સ્કૂલ/કૉલેજની ફી ભરવામાં પણ મદદરૂપ થાય છે અને મેડિકલ ખર્ચ માટે પણ સહાય કરે છે. લૉકડાઉન દરમિયાન રામ રોટી ગ્રુપ સાથે મળી અને મોટી સંખ્યામાં અનાજની કિટનું વિતરણ કરાયું હતું.