ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૭ જુલાઈ, ૨૦૨૧
મંગળવાર
આસામ અને મિઝોરમ વચ્ચેની 165 કિલોમીટર લાંબી સરહદ પર વર્ષોથી વિવાદ છે. આ વિવાદના મૂળમાં મુખ્યત્વે બે સરહદો છે અને આ બંને સરહદો બ્રિટિશકાળ સાથે સંકળાયેલી છે. બંને રાજ્યો કઈ સીમાને અનુસરવી જોઈએ એ અંગે સંમત થવામાં અસમર્થ છે. 19મી સદીની મધ્યમાં, બ્રિટિશ લોકો ચાના બગીચાઓ ધરાવતા કછારનાં મેદાનો – બરાક ખીણમાં આવ્યા હતા.એમાં હવે કછાર, હૈલાકાંડી અને કરીમગંજ જિલ્લાનો સમાવેશ થાય છે. તેમના વિસ્તરણને કારણે મિઝોરમના લોકોમાં મુશ્કેલી ઊભી થઈ હતી. એ સમયે મિઝોરમના લોકોનો રહેણાક વિસ્તાર લુશાઈ હિલ્સ હતો.
ઑગસ્ટ 1875માં, કછાર જિલ્લાની દક્ષિણ સીમા આસામ ગેઝેટમાં દર્શાવવામાં આવી હતી. મિઝોરમના લોકો માને છે કે 1875માં પાંચમી વખત, બ્રિટિશરોએ લુશાઈ ટેકરીઓ અને કછારનાં મેદાનો વચ્ચેનું સીમાંકન કર્યું હતું. એ સમયે મિઝોરમના તત્કાલીન નેતાઓની સલાહ લેવામાં આવી હતી. બે વર્ષ બાદ ગેઝેટમાં અનામત વન સીમાનો આધાર પણ આ જ સીમાંકન બન્યું હતું.
જોકેવર્ષ 1933માં લુશાઈ હિલ્સ અને તત્કાલીન મણિપુર રજવાડા વચ્ચે નવી સીમા બનાવવામાં આવી હતી. એમાં કહેવામાં આવ્યું છે કે મણિપુરની સરહદ લુશાઈ હિલ્સ, આસામના કછાર જિલ્લા અને મણિપુર રાજ્યના ટ્રાઈજંક્શનથી શરૂ થઈ હતી. મિઝોરમના લોકો આ સીમાને સ્વીકારતા નથી. તેઓ વર્ષ 1875ની સીમાની વાત કરે છે જે તેમના નેતાઓ સાથે ચર્ચાવિચારણા બાદ બનાવવામાં આવી હતી.
આઝાદી બાદ પૂર્વીય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો આસામથી અલગ થઈ ગયા હતા, જે પછી 1963માં નાગાલૅન્ડ અને વર્ષ ૧૯૭૨માં અરુણાચલ પ્રદેશ, મેઘાલય અને મિઝોરમ બન્યા હતા. અધિકારીઓએ એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે મિઝોરમ અને આસામ વચ્ચે કરાર હેઠળ સીમાવિસ્તારમાં નોમેન્સ લૅન્ડની સ્થિતિ યથાવત્ જાળવવાની હતી.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2018ના ફેબ્રુઆરી મહિનામાં અહીં હિંસા ફાટી નીકળી હતી, જ્યારે વિદ્યાર્થી સંઘ MZP (મિઝો ઝિર્લાઈ પાવલ)એ આસામ દ્વારા દાવો કરેલી જમીન પર ખેડૂતો માટે વિશ્રામ ગૃહ બનાવ્યું હતું અને તેને આસામ પોલીસે તોડી પાડ્યું હતું. ગયા ઑક્ટોબરમાં, મિઝોરમ દ્વારા દાવો કરાયેલી જમીન પર નિર્માણને લઈને લૈલાપુર (આસામ)માં એક જ અઠવાડિયામાં બે વાર અથડામણ થઈ હતી.