
સૂતજી કહે છે:-શ્રવણ કરો. દ્વાપરની સમાપ્તિનો સમય હતો. બદ્રિનારાયણથી દૂર કેશવપ્રયાગ આવે છે, ત્યાં
વ્યાસજીનો આશ્રમ છે. વ્યાસ નારાયણ સરસ્વતીના કિનારે વ્યાસાશ્રમમાં બિરાજતા હતા. એક વખત તેમને કળિયુગનાં દર્શન
થયાં. તેઓને પાંચ હજાર વર્ષ પછી દુનિયામાં શું થશે તેનાં દર્શન થાય છે. બારમાં સ્કંધમાં આનુ વર્ણન કર્યું છે. વ્યાસજીએ જેવું
જોયું તેવુ લખ્યું છે.
વ્યાસજીએ વિચાર્યું કે કળિયુગમાં લોકો વિલાસી થશે. મનુષ્યો બુદ્ધિહીન થશે. વેદશાસ્ત્રનું અધ્યયન કરી શકાશે નહિ,
તેથી વેદના ચાર વિભાગ કર્યા. વેદનું કદાચ અધ્યયન કરી શકશે, પરંતુ વેદના તાત્પર્યનું, તેના તત્વનું જ્ઞાન થશે નહિ. તેથી
સત્તર પુરાણોની રચના કરી. વેદોનો અર્થ સમજાવવા વ્યાસજીએ પુરાણોની રચના કરી. પુરાણો વેદ ઉપરનું ભાષ્ય છે.
સ્ત્રી, શૂદ્ર, પતિત, દ્વિજાતિ, વેદશ્રવણના અધિકારી નથી. એમનું પણ કલ્યાણ થાય એમ વિચારી મહાભારતની રચના
કરી. મહાભારત એ સમાજશાસ્ત્ર છે. મહાભારત એ પાંચમો વેદ છે. ભા નો અર્થ થાય છે જ્ઞાન, રત એટલે રમવું. જ્ઞાન અને
ભક્તિમાં રમવાની કળા જે ગ્રંથમા બતાવી છે તે ભારત. જ્ઞાનમાં જીવ જ્યારે રમણ કરવા જાય છે ત્યારે કૌરવો વિઘ્ન કરે છે.
ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે આ શરીર જ કુરુક્ષેત્ર છે. ધર્મ, અધર્મનું યુદ્ધ તેમાં થાય છે. મહાભારત દરેકના મનમાં અને ઘરમાં ભજવાય છે. સદ્
વૃત્તિઓ અને અસદ્ વૃત્તિઓનું યુદ્ધ એ મહાભારત.
જીવ ધૃતરાષ્ટ્ર છે. જેને આંખ નથી તે ધૃતરાષ્ટ્ર નથી. પણ જેની આંખમાં કામ છે, તે આંધળો ધૃતરાષ્ટ્ર છે. કો અંધ: યો
વિષયાનુરાગી । આંધળો કોણ? જે વિષયાનુરાગી છે તે.
દુઃખરૂપ કૌરવો, અનેકવાર ધર્મને મારવા જાય છે. યુધિષ્ઠિર અને દુર્યોધન રોજ લડે છે. દુર્યોધન આજે પણ આવે છે.
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૪૨
પ્રભુભજન માટે સવારે ચાર વાગે ઠાકોરજી જગાડે છે. ધર્મરાજા કહે છે, ઊઠ અને સત્કર્મ કર. પણ દુર્યોધન કહે છે, પાછલા
પહોરની મીઠી ઊંઘ આવે છે. વહેલા ઊઠવાની શી જરૂર છે? તું હજી આરામ કર, શું બગડી જવાનું છે? ધર્મ અને અધર્મ આ પ્રમાણે
અનાદિ કાળથી લડે છે. દુષ્ટ વિચારરૂપી દુર્યોધન મનુષ્યને ઊઠવા દેતો નથી. નિદ્રા અને નિંદા ઉપર જે વિજય મેળવે છે તે ભક્તિ
કરી શકે છે.
દુર્યોંધન એ અધર્મ છે, યુધિષ્ઠિર ધર્મનું સ્વરૂપ છે. ધર્મ, ધર્મરાજાની જેમ મનુષ્યને પ્રભુ પાસે લઈ જાય છે, અને અધર્મ
(દુર્યોધન) મનુષ્યને સંસાર તરફ લઈ જાય છે અને તેનો વિનાશ કરે છે. ધર્મ ઈશ્વરને શરણે જાય, તો ધર્મનો વિજય થાય અને
અધર્મનો વિનાશ થાય.
આટલા ગ્રંથોની રચના કરી, તેમ છતાં વ્યાસજીના મનને શાંતિ મળતી નથી. જ્ઞાની પુરુષો પોતાની અશાંતિનું કારણ
અંદર શોધે છે. ઉદ્વેગનું કારણ અંદર શોધે છે. તમારા દુ:ખનું કારણ બહાર નથી. તમારા દુ:ખનું કારણ તમારી અંદર છે. અજ્ઞાન
અને અભિમાન, એ દુ:ખનાં કારણો છે. વ્યાસજી અશાંતિનું કારણ અંદર શોધે છે. મેં કોઈ પાપ તો નથી કર્યું ને? જયારે અજ્ઞાનીઓ
અશાંતિના કારણને બહાર શોધે છે. બહારના કારણને અશાંતિનું મૂળ સમજે છે.
લોકો પુણ્યને યાદ કરશે. પરંતુ પાપને કોઈ યાદ કરતું નથી. પાપનો વિચાર કોઇ કરતું નથી. વ્યાસજીને ચિંતા થાય છે.
મારે હાથે કોઈ પાપ થયું તો નથી ને? ના, ના, હું નિષ્પાપ છું. પણ મનમાં કંઈક ખટકે છે. મારું કોઈક કાર્ય અધુરું છે.
મનુષ્યને પોતાની ભૂલ જલદી દેખાતી નથી. એથી કહ્યું છે કે:-કૃપા ભઇ તબ જાગને જબ દિખે અપના દોષ.
જ્ઞાન, ધન અને મન સુપાત્રને મળે તો તે સુખી થાય છે. જે લાયક નથી તેને બહુ જ્ઞાન મળે તો ઘણે ભાગે તેને બીજાની
ભૂલો દેખાય છે. અનાધિકારીને જ્ઞાન મળે તો, એ ભક્તિમાં વિઘ્ન કરનારું થાય છે. અનાધિકારીને જ્ઞાન મળે તો તેને અભિમાન
થાય છે.