
જગતના કોઇપણ જીવના દોષ જોશો નહિ. પોતાના મનને સુધારો. પોતાની ભૂલ બતાવે એનો ઉપકાર ભૂલશો નહિ.
વ્યાસજી જ્ઞાની છે, છતાં પોતાને નિર્દોષ માનતા નથી. મનુષ્યનો મોટામાં મોટો દોષ એ પોતાને નિર્દોષ સમજે છે.
નિર્દોષ માત્ર એક ઈશ્વર છે.
બ્રહ્માજીની સૃષ્ટિ ગુણદોષથી ભરેલી જ છે. કોઈપણ વસ્તુ ગુણદોષ વિનાની નથી. દૈવી સૃષ્ટિ અને આસુરી સૃષ્ટિ
અનાદિકાળથી છે. કોઈનો દોષ જોશો નહિ, કોઈનું પાપ જોશો નહિ અને કોઇના પાપનો વાણીથી ઉચ્ચાર કરશો નહિ, તો તમે સંત
બનશો. દૃષ્ટિને ગુણમય બનાવો, આજથી પાપ કરવાનું છોડી દો તો તમે સંત બનશો. મૃત્યુ માથે રાખી પાપ કરશો નહિ, કોઇના
દોષ જોશો નહિ, તમારા મનને સાચવજો. આ ત્રણે કરશો, તો તમને સંત મળશે, તમે સંત થશો.
વ્યાસજી વિચારે છે, મને કોઈ સંત મળે તો મારી ભૂલ બતાવે. સત્સંગ વગર મનુષ્યને પોતાના દોષનું ભાન થતું નથી.
સત્સંગમાં મનુષ્યને પોતાની ભૂલનું જ્ઞાન થાય છે.
વ્યાસજીના સંકલ્પથી પ્રભુએ નારદજીને ત્યાં આવવા પ્રેરણા કરી. કીર્તન કરતાં કરતાં નારદજી ત્યાં પધારે છે. ગંગાજીને
આનંદ થયો. મહાપુરુષના મિલનમાંથી કથાગંગા પ્રગટ થશે. અનેક જીવોનો ઉદ્ધાર કરશે. આજે ગંગાજી શાંત થયા છે. આ બે
મહાપુરુષોના સત્સંગમાં વિધ્ન ન થાય. એ મહાવૈષ્ણવો મારા શ્રીકૃષ્ણની કથા કરશે. આ કથાગંગા અનેક જીવોનું કલ્યાણ કરશે.
નારદજીએ વ્યાસજીને કુશળમંગળ પૂછ્યા. નારદજી કહે છે, હું તો તમને અભિનંદન આપવા આવ્યો છું, તેમ છતાં તમને
ચિંતામાં જોઈ આશ્ર્ચર્ય થાય છે. મને લાગે છે કે તમે કાંઇક ચિંતામાં છો. તમે આનંદમાં નથી.
વ્યાસજી કહે છે:-તમારી પરીક્ષા સાચી છે. મારી કાંઇક ભૂલ થઈ છે, પણ મને મારી ભૂલ સમજાતી નથી. કૃપા કરી મારી
ભૂલ બતાવો, મારામાં જે અપૂર્ણતા હોય, તે તમે વિચારો અને મને બતાવો. મારી ભૂલ મને બતાવો. હું તમારો ઉપકાર માનીશ.
ત્વં પર્યટન્નર્ક ઈવ ત્રિલોકીમન્તશ્ર્ચરો વાયુરિવાત્મસાક્ષી ।
પરાવરે બ્રહ્મણિ ધર્મતો વ્રતૈ: સ્નાતસ્ય મે ન્યૂનમલં વિચક્ષ્વ ।।
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૪૩
વ્યાસજીનો વિવેક જોઇને, નારદજીને આનંદ થયો. નારદજીએ કહ્યું:- મહારાજ! આપ નારાયણના અવતાર છો. તમારી
ભૂલ શું થાય? તમે જ્ઞાની છો. તમારી કાંઈ ભૂલ થઇ નથી. છતાં આપ આગ્રહ કરો છો તો એક વાત કહું છું. આપે બ્રહ્મસૂત્રમાં
વેદાંતની ખૂબ ચર્ચા કરી. આત્મા-અનાત્માનો બહુ વિચાર કર્યો. યોગસૂત્રના ભાષ્યમાં યોગની બહુ ચર્ચા કરી. સમાધિના ભેદોનું
બહુ વર્ણન કર્યું. પુરાણોમાં વર્ણાશ્રમ ધર્મનું વર્ણન કર્યું. પરંતુ ધર્મ, જ્ઞાન, યોગ એ સર્વનાં આધાર શ્રીકૃષ્ણ છે. આ સર્વના આત્મા
શ્રીકૃષ્ણ છે. તેની કથા આપે પ્રેમપૂર્વક વર્ણવી નથી. તમે ભગવાનનો નિર્મળ યશ, પૂર્ણ રીતે પ્રેમથી વર્ણવ્યો નથી. હું માનું છું કે જે
વડે ભગવાન પ્રસન્ન ન થાય તે શાસ્ત્ર અને જ્ઞાન અપૂર્ણ જ છે.
કળિયુગના જીવોનો ઉદ્ધાર કરવા તમારો જન્મ થયો છે. તમારું તે અવતાર કાર્ય હજુ તમારે હાથે થયું નથી, તેથી તમારા
મનમાં ખટકો છે. જ્ઞાની પુરુષ પણ પરમાત્માના પ્રેમમાં પાગલ ન થાય, ત્યાં સુધી તેને આનંદ મળતો નથી. પ્રભુમિલન માટે જે
આતુર થતો નથી. તેનું જ્ઞાન શું કામનું? કળિયુગના ભોગી જીવો તમારા બ્રહ્મસૂત્ર વગેરે સમજી શકશે નહિ. કળિયુગનો વિલાસી
મનુષ્ય તમારા ગહન સિદ્ધાંતો શી રીતે સમજી શકશે?
આપે યોગ, જ્ઞાન વગેરેની ખૂબ ચર્ચાઓ કરી. ભગવાનની લીલાકથાઓનું તમે પ્રેમથી વિસ્તારપૂર્વક વર્ણન કર્યું નથી.
પૂર્વમીમાંસામાં આપે કર્મમાર્ગનું-નિવૃતિ ધર્મનું વર્ણન કર્યું. સન્યાસને પ્રાધાન્ય આપ્યું. નિવૃત્તિને પ્રાધાન્ય આપ્યું. પરંતુ મને એમ
લાગે છે કે આ બંન્ને માર્ગો, કળિયુગમાં ઉપયોગી થશે નહિ. તમે મધ્યમ રસ્તો બતાવો. કર્મ કરે પણ તે શ્રીકૃષ્ણ પ્રેમ વિનાનું હોય
તો, તેની કિંમત થતી નથી. શ્રીકૃષ્ણપ્રેમ વિના કર્મનો આગ્રહ વ્યર્થ છે. શ્રીકૃષ્ણપ્રેમ વિના યોગ વ્યર્થ છે. શ્રીકૃષ્ણપ્રેમ વિના જ્ઞાન
પણ વ્યર્થ છે. શ્રીકૃષ્ણપ્રેમ વિના જ્ઞાનની શોભા નથી. પરમાત્મા જેને પોતાનો ગણે તેને જ પોતાનું અસલી સ્વરૂપ બતાવે છે.
પ્રભુએ પોતાનું નામ પ્રગટ રાખ્યું છે. પણ સ્વરૂપ છુપાવ્યું છે. જયારે પોતાના લાડીલા ભકતો પરમાત્માની બહુ ભક્તિ કરે છે, ત્યારે
પરમાત્મા તેને પોતાનું સ્વરૂપ બતાવે છે. અરે, સામાન્ય જીવ પણ જયાં પ્રેમ હોય ત્યાં પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે. પારકા
માણસોના દેખતાં તિજોરી ઉઘાડતા નથી. જેના તરફ પ્રેમ હોય તેને વગર કહે, બધું બતાવે છે. પરમાત્મા સાથે મનુષ્ય પ્રેમ કરતા
નથી એટલે પરમાત્માનો અનુભવ તેઓ કરી શકતા નથી. મોટા જ્ઞાની હોય પણ જયાં સુધી તે પરમાત્મા સાથે પ્રેમ ન કરે ત્યાં સુધી
તેને પરમાત્માનો અનુભવ થતો નથી. અરે, જોડા સાથે, કપડાં સાથે, પૈસા સાથે પ્રેમ કરે એ કાંઈ જ્ઞાની કહેવાય? આજકાલ લોકો
પુસ્તક વાંચીને જ્ઞાની બની જાય છે. તેને ગુરુની સેવા કરવાની જરૂર લાગતી નથી. તેને બ્રહ્મચર્ય પાળવાની જરૂર લાગતી નથી.
શ્રીકૃષ્ણની લીલા કથાઓનું તમે પ્રેમથી ગાન કર્યું નથી, તેથી તમને દુ:ખ થાય છે તે આજ તમારી અશાંતિનું કારણ છે. જ્ઞાનની
શોભા પ્રેમથી છે, ભક્તિથી છે. જો સર્વમાં ભગવદભાવ ન જાગે તો એ જ્ઞાન શા કામનું?