
જગત સાથે કરેલો પ્રેમ અંતમાં રડાવે છે. શ્રીકૃષ્ણ પ્રેમમાં પાગલ બનો તો, શાંતિ મળશે. આપે પ્રેમમાં પાગલ થઇ
શ્રીકૃષ્ણકથાનું પરિપૂર્ણ વર્ણન કર્યું નથી. જીવ પાસે ઈશ્ર્વર બીજુ કાંઈ માંગતા નથી. ફકત પ્રેમ માંગે છે.
કળિયુગના મનુષ્યને ગરમ પાણી મળ્યું ન હોય તો તે મગજ ગુમાવી બેસે છે. એવો મનુષ્ય યોગ શું સિદ્ધ કરવાનો હતો?
જેની ભોગમાં આસક્તિ છે તેનું શરીર સારુ રહેતું નથી. દ્રવ્યમાં જેની આસક્તિ છે તેનું મન સારું રહેતું નથી. ભોગશક્તિ તનને
બગાડે છે અને દ્રવ્યશક્તિ મનને બગાડે છે. આવા મનુષ્યોને યોગ સિદ્ધ થતો નથી.
ચિત્તવૃત્તિના નિરોધને યોગ કહે છે. તેને સિદ્ધ કરવો મુશ્કેલ છે.
વાતો બ્રહ્મજ્ઞાનની કરે, અને પ્રેમ પૈસા સાથે કરે, તેને પરમાત્મા મળતા નથી. તેને આનંદ મળતો નથી. તો હવે આપ
એવી કથા કરો કે સર્વને પ્રભુ પ્રત્યે પ્રેમ જાગે. એવી દિવ્ય કથા કરો, એવું પ્રેમશાસ્ત્ર બનાવો કે સહુ કૃષ્ણપ્રેમમાં પાગલ બને. કથા
શ્રવણ કરનારને કનૈયો વહાલો લાગે, અને સંસાર તરફ સૂગ આવે એવી કથા તમે કરશો તો તમને શાંતિ મળશે.
મહાભારતમાં શ્રીકૃષ્ણ ચરિત્ર છે. તેમાં ધર્મ, સદાચારને મહત્ત્વ અપાયું છે. ત્યાં પ્રેમ ગૌણ છે.
એવી કથા કરો કે તમને પણ શાંતિ મળે અને સર્વ જીવોને પણ શાંતિ મળે. વ્યાસજીએ પણ જયાં સુધી ભાગવત
શાસ્ત્રની રચના ન કરી, ત્યાં સુધી તેમને શાંતિ મળી નહિ. કળિયુગમાં કૃષ્ણકથા-કૃષ્ણકીર્તન વિના તરવાનો બીજો કોઈ ઉપાય
નથી. કળિયુગમાં મનુષ્યોનો ઉદ્ધાર અન્ય સાધનોથી થઈ શકશે નહિ. ફકત કૃષ્ણકીર્તન, કૃષ્ણસ્મરણથી કળિયુગમાં મનુષ્યોનો
ઉદ્ધાર થશે. પરમાત્માની લીલાકથાનું વર્ણન આપ અતિ પ્રેમપૂર્વક કરો. સર્વ સાધનનું ફળ પ્રભુપ્રેમ છે. આપ તો જ્ઞાની છો.
મહારાજ આપને વધુ શું કહું? હું મારા પૂર્વ જન્મની કથા આપને સંભળાવું છું. હું કેવો હતો અને કેવો થયો.
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૪૪
વ્યાસજીને ખાતરી માટે નારદજી પોતાનો જ દાખલો આપે છે. પોતાના પૂર્વ જન્મની કથા સંભળાવે છે. કથા શ્રવણ અને
સત્સંગનું ફળ બતાવે છે. કથા શ્રવણથી, સંતોની સેવા કરવાથી જીવન સુધરે છે.
હું દાસીપુત્ર હતો, પણ મેં ચાર મહિના કનૈયાની કથા સાંભળી. મને સત્સંગ થયો, તો મારું જીવન દિવ્ય બન્યું,
કૃષ્ણકથાથી મારું જીવન સુધર્યું, આચારવિચારનું ભાન હતું નહિ, પરંતુ મેં કથા સાંભળી એટલે મારું જીવન પલટાયું, આ બધી
મારા ગુરુની કૃપા છે.
વ્યાસજી નારદજીને કહે છે, તમારા પૂર્વજન્મની કથા કહો.
નારદજી કહે છે:-સાંભળો, હું સાતઆઠ વર્ષનો હતો. મારા નાનપણમાં મારા પિતા મરણ પામેલા. મારી મા દાસી તરીકે
કામ કરતી હતી. હું ભીલ બાળકો સાથે રમતો. મારા પુણ્યનો ઉદય થતાં અમે જે ગામમાં રહેતા હતા, ત્યાં ફરતા ફરતા સાધુઓ
આવ્યા. ગામલોકોએ તેઓને અમારા ગામમાં ચતુર્માસ ગાળવા કહ્યું અને કહ્યું, કે આ બાળકને તમારી સેવામાં સોંપીએ છીએ. તે
પૂજાનાં ફૂલો લાવવાં વગેરે કામમાં મદદ કરશે. વિધવાનો છોકરો છે, તે પ્રસાદ પણ તમારી સાથે જ લેશે. મને સંતોનાં એકલા
દર્શન નહિ, પરંતુ તેમની, તેઓની સેવા કરવાનો લાભ પણ મળ્યો. કોઈ મહાપુરુષની પ્રત્યક્ષ સેવા ન કરો, ત્યાં સુધી મનમાંથી
વાસના જતી નથી. અંદરના વિકારો જતા નથી. મારા ગુરુ, પ્રભુ ભક્તિમાં રંગાયેલા હતા. મને સાચા સંતની સેવા કરવા મળી. એક
તો સાચા સંતના દર્શન થતાં નથી અને થાય છે તો તેમના પ્રત્યે સદ્ભાવ જાગતો નથી. મારા ગુરુદેવ સાચા સંત હતા. ગુરુ અમાની
હતા એટલે બીજાને માન આપતા હતા. એમના સંગથી મને ભક્તિનો રંગ લાગ્યો. ગુરુએ મારું નામ હરિદાસ રાખ્યું, ત્રણ સદ્ગુણોનું
વર્ણન આવશ્યક છે.
શુકદેવજીએ જન્મતાવેંત વ્યાસજીને કહ્યું કે મારે તમારી સાથે કાંઇ સંબંધ નથી. તમે મારા પિતા નથી. મારા પિતા પ્રભુ
છે. મને જવા દો. પરંતુ આ માર્ગ સામાન્ય મનુષ્યોથી અનુસરી શકાય તેવો નથી.
સહેલો માર્ગ એ છે કે સર્વ સાથે પ્રેમ કરો, અથવા એક પ્રભુ સાથે જ પ્રેમ કરો. આત્મા અને પરમાત્મા એક છે. ગુરુદેવ
પ્રેમની મૂર્તિ હતા. ગુરુજીના ઊઠતાં પહેલાં હું ઊઠતો. ગુરુજી સેવા કરે ત્યારે ફૂલ, તુલસી હું લઇ આવતો. મારા ગુરુજી દિવસમાં બે
વાર કીર્તન કરે. સવારે બ્રહ્મસૂત્રની ચર્ચા કરે પણ રોજ રાત્રે શ્રીકૃષ્ણકથા, શ્રીકૃષ્ણકીર્તન કરે. કનૈયો તેમને વહાલો. મારા
ગુરુદેવના ઈષ્ટદેવ બાલકૃષ્ણ હતા.